• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

છાત્રો સામે ઝૂકી ઝારખંડની સરકાર

રાંચી, તા. 5 : ઝારખંડની રાજધાની રાંચીમાં છાત્રોનાં આંદોલનની આગ વધુ બેકાબૂ બનવા માંડી હોય તેમ જયપાલસિંહ મુંડા સ્ટેડિયમ પર વધુ પાંચ છાત્રે બુધવારે ભૂખ હડતાળ શરૂ કરી હતી. તીવ્ર બનતા જતાં વિરોધ સામે ઝૂકેલી ઝારખંડ સરકારે આંદોલનકારી છાત્રોને સંદેશ મોકલી, વાતચીતની તૈયારી બતાવી હતી. ભરતી પરીક્ષાઓમાં કથિત ગરબડોના વિરોધમાં ઉગ્ર બનેલાં આંદોલન વચ્ચે સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકની અપીલ પર ત્રીજી જુલાઈથી ભૂખ હડતાળ પર બેઠેલા છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહતોએ બુધવારે પાણી પીધું હતું. જો કે, મહતોએ સ્પષ્ટ કરી દીધું હતું કે, સોનમ વાંગચૂકજીના અનુરોધને આદર આપ્યો છે. બાકી પાણી પી લેવાનો અર્થ આંદોલનનો અંત નથી. હજુ પણ માંગો પૂરી ન થાય ત્યાં સુધી અન્ન નહીં લઉં. ધરણા સ્થળે પહોંચેલા અધિકારીએ સરકારનો સંદેશ આપતાં કહ્યું હતું કે, પાંચ સભ્યનું પ્રતિનિધિ મંડળ રચો. મુખ્યમંત્રીએ સંદેશ આપ્યો હતો કે, સરકાર તૈયાર છે. આજે ચાર  વાગ્યે સર્કિટ હાઉસમાં ચર્ચા નક્કી કરી છે. જો કે, પ્રદર્શનકારી છાત્રોએ બંધ ઓરડામાં વાતચીત નકારીદેતાં મીડિયાની હાજરીમાં જાહેર સ્થળે કરવા કહ્યું હતું. છાત્રોએ જણાવ્યું હતું કે, સરકાર વાત કરવા માગે છે, તો મુખ્યમંત્રી સ્વયં ધરણા સ્થળ પર આવીને અમારી સાથે સંવાદ કરે. પ્રદર્શનકારી છાત્રોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગરબડની તપાસ સીબીઆઈ અથવા રાજ્ય બહારના કોઈ હાઈકોર્ટના નિવૃત્ત જજની પેનલ દ્વારા તપાસની માંગ કરી છે.

Panchang

dd