• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

સરકાર યુવાનો સામે આક્રમક ન બને : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 5 : સુપ્રીમ કોર્ટે બુધવારે કોકરેચ જનતા પાર્ટી (સીજેપી)નાં પ્રદર્શનમાં થયેલી હિંસાના મામલે સુનાવણી કરી હતી. સુપ્રીમે ટકોર કરી હતી કે, કેન્દ્ર સરકાર કે કોઇ પણ સરકાર આક્રમક વલણ અપનાવવાથી બચે. યુવાનોની વાત સાંભળવી સૌથી મોટું હથિયાર છે. પ્રદર્શન દરમ્યાન પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સંયમ રાખવો જોઇએ. જો કોઇ ભટકેલા યુવાનો પથ્થરબાજી કરે, તો પણ તેમને સમજાવવા અને શાંત રાખવાની કોશિશ કરવી જોઇએ. સરકારે આક્રમક વલણ ન અપનાવવું જોઇએ, તેવી ટકોર કોર્ટે કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વી.મોહનની ખંડપીઠે આ ટિપ્પણી નિવૃત્ત વાયુદળ અધિકારી મનીષકુમાર સોલંકીની અરજી પર કરી હતી. આ અરજીમાં 20 જુલાઇની સંસદ કુમાવતે સીજેપીના દેખાવકારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઇ હતી. અરજદારવતી વકીલ રિજવાન અહેમદે જણાવ્યું હતું કે, ઘટનાને 15 દિવસ વીતી ચૂકયા છે, પરંતુ પ્રદર્શનના આયોજકોની જવાબદારી નક્કી નથી થઇ. તેમણે આરોપ મૂકયો હતો કે, આયોજક કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતાઓ સતત જાહેર મંચો પરથી ભડકાઉ ભાષણો આપી રહ્યા છે. સરકાર આવા મામલાઓમાં પાછળ હટી જશે, તો તે ખોટું ઉદાહરણ બની જશે અને ભવિષ્યમાં અન્ય રાજ્યોમાં પણ હિંસક પ્રદર્શનોને ઉત્તેજન મળશે તેવો તર્ક વકીલે વ્યક્ત કર્યો હતો. આવી દલીલો પર મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે, શક્તિશાળી સરકાર આક્રમક વલણ અપનાવશે, તો સામાજિક તાણ વધી શકે છે. હિંસા વધુ ભડકી શકે છે. તેમણે કહ્યું હતું કે, યુવાનોને સલાહ, કાંઉસિલિંગ અને સંવાદની જરૂર છે. એ જ સૌથી અસરકારક ઉપાય છે.

Panchang

dd