મુંદરા, તા. 5 : મુંદરા તાલુકાના ચાર ધાર્મિક
સ્થળના ડિમોલિશન સામે ગુજરાત હાઇકોર્ટે મનાઈ હુકમ આપ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું
કે, અરજદારોને અપીલ કરવાનો કાનૂની અધિકાર છે અને
અપીલ માટેની કાયદાકીય સમય મર્યાદા પૂર્ણ ન થાય અથવા સક્ષમ અપીલ સત્તાધિકારી દ્વારા
નિર્ણય ન આવે ત્યાં સુધી સંબંધિત ધાર્મિક સ્થળો સામે ડિમોલિશન સહિતની કોઈ પણ કાર્યવાહી
ન કરવામાં આવે. કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા એક યાદી મુજબ છેલ્લા કેટલાક સમયથી
મુસ્લિમ ધાર્મિક સ્થળો સામે ડિમોલિશન, નોટિસ સહિત કાર્યવાહી હાથ
ધરવામાં ધરાતાં સમાજમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આ સંજોગોમાં અસરગ્રસ્ત સંચાલકોને
ન્યાય મળે એ માટે એપીસીઆર ગુજરાત દ્વારા કાનૂની સહાય પૂરી પડાઈ હતી. કોર કમિટી દ્વારા
આ પ્રક્રિયામાં સહયોગ અપાયો હતો. મુંદરાની ચાર ધાર્મિક જગ્યા સામે મામલતદાર દ્વારા
માત્ર પાંચ દિવસમાં બાંધકામ દૂર કરવા આદેશ અપાયો હતો. જે સામે અસરગ્રસ્તો દ્વારા ગુજરાત
હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં અરજદારોએ રજૂઆત કરી
હતી કે, આવા આદેશ સામે અપીલ કરવાનો અધિકાર છે અને 90 દિવસની સમયમર્યાદા નક્કી કરાઈ
છે. માત્ર પાંચ દિવસનો સમય આપવો એ કાયદાની ભાવનાની વિરુદ્ધ છે. જે મુદ્દે ન્યાયમૂર્તિ
અનિરુદ્ધ પી. મયીએ બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આ મનાઈ હુકમ આપ્યો હતો. કમિટીના મોહસીન
હિંગોરજાએ કહ્યું હતું કે, કમિટીએ આ નિર્ણયને
કાયદાના શાસન અને બંધારણીય અધિકારોની દિશામાં મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.