ગાંધીધામ, તા. 5 : પાકિસ્તાનમાંથી થતી આયાત પર
ભારતે મૂકેલા કડક પ્રતિબંધોને ઓવરટેક કરીને ગેરકાયદે રીતે માલ સપ્લાય કરવાના મોટા કૌભાંડનો
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડી.આર.આઈ.)એ પર્દાફાશ કર્યો છે. ડી.આર.આઈ.એ કંડલા
બંદર પર મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાન મૂળના રૂા. ત્રણ કરોડની કિંમતના 364 મેટ્રિક ટન સૂકા ખજૂરનો જથ્થો
જપ્ત કર્યો છે. આ એજન્સી એવી ડી.આર.આઈ.ને મળેલી ચોક્કસ બાતમીના આધારે કંડલા બંદર પરથી
13 કન્ટેનર અટકાવવામાં આવ્યાં
હતાં. કાગળો પર આ માલ સંયુક્ત આરબ અમીરાત (યુ.એ.ઈ.)થી આયાત થયો હોવાનો ખોટો દાવો કરવામાં
આવ્યો હતો. જો કે, ઊંડાણપૂર્વકની
તપાસમાં ખુલાસો થયો હતો કે, આ જથ્થો મૂળ પાકિસ્તાનમાં ઉત્પાદિત
થયો હતો. ભેજાબાજ આયાતકારોએ પાકિસ્તાનથી પહેલાં આ માલ દુબઈ મોકલાવ્યો હતો. ત્યાં કન્ટેનર
બદલાવી બાદમાં ખોટા દસ્તાવેજો બનાવી ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો. ડી.આર.આઈ.એ
કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ
હેઠળ આ સમગ્ર કન્સાઈન્મેન્ટ જપ્ત કર્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની સુધારેલ
વિદેશી વેપાર પોલિસી 2023 મુજબ 2025થી પાકિસ્તાનમાંથી કોઈ પણ માલની
સીધી કે અપ્રત્યક્ષ આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ડી.આર.આઈ.ની આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય
સ્તરે સંગઠિત તસ્કરોની સિન્ડિકેટને તોડી પાડવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે
છે. ડીઆરઆઈ દ્વારા આંતરરાષ્ટ્રીય ગેરકાયદે વેપાર સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે
જે અંતર્ગત ગત સપ્તાહે તુતીકોરીન બંદર પરથી 1.4 કરોડની કિંમતનો 14 મેટ્રિક ટન પાકિસ્તાની ગૂગળ ગુંદરનો જથ્થો પકડી પડાયો હતો. કંડલા
અને મુંદરા બંદરે આવી રીતે અગાઉ અનેક વખત મિસ ડિકલેરેશનના બનાવો ઉજાગર થઈ ચૂક્યા હોવાનું
સૂત્રોએ જણાવ્યું હતું.