નવી દિલ્હી, તા. 5 : ઓપરેશન સિંદૂર
વખતે ભારતના ઘાતક પ્રહારોથી કાંપી ઊઠેલાં પાકિસ્તાને કરગરતાં યુદ્ધવિરામ માટે વિનવણી
કરાઇ હતી, પરંતુ ભારતે લાંબી રાહ જોવડાવી હતી,
તેવો ખુલાસો તાજેતરમાં જ નિવૃત્ત થયેલા ભારતના સીડીએસ જનરલ અનિલ ચૌહાણે
કર્યો હતો. જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનનું કોઇ પણ
સૈન્ય ઠેકાણું ભારતીય સેનાની પહોંચથી બહાર નથી, તેવો સંદેશ પાડોશી
દેશને આપવો જરૂરી હતો. તેમણે કહ્યું હતું કે, નવમી મે-2025ના પાકિસ્તાને એવો પોકળ દાવો
કર્યો હતો કે, 48 કલાકમાં જ ભારતને પાઠ ભણાવી બતાવશું. મને આશ્ચર્ય તો બીજા દિવસે
10મી મેની સવારે થયું, જ્યારે પાકિસ્તાને સામેથી ફોન કરીને વાતચીતની
પહેલ કરી. પાકના સૈન્ય કાર્યવાહીના મહાન નિર્દેશક હોટલાઇન પર સંપર્ક કરી, યુદ્ધ રોકવા કરગર્યા, તેવું પૂર્વ સીડીએસ જનરલ ચૌહાણે
જણાવ્યું હતું. ચાર દિવસ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષ દરમ્યાન પાકિસ્તાને ભારતને યુદ્ધવિરામની
વિનવણી કરી, ત્યારે ભારતીય સેનાએ પોતાની નિયત યોજનાનો અડધો ભાગ
પણ પૂરો કર્યો નહોતો. ભારતે પાકિસ્તાનની આ માંગ તરત ન સ્વીકારતાં કલાકો સુધી રાહ જોવડાવી
હતી, જેથી નિયોજિત પાકનાં ઠેકાણાંઓ પર હુમલા પૂરા કરી શકાય. જનરલ
ચૌહાણે જણાવ્યું હતું કે, નવમી મેની રાતથી 10મી મેની બપોર સુધી ભારતીય સેનાએ પાકિસ્તાનનાં
11 સૈન્ય ઠેકાણાં પર નિશાન સાધી, રડાર અને યુદ્ધવિમાનોને નુકસાન કર્યું હતું.