• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

સીમાંકન ખરડા માટે સરકાર સક્રિય

નવી દિલ્હી, તા. 5 : રાજકીય ઘર્ષણનું કારણ બનેલા અને લાંબા સમયથી અટકી પડેલા સીમાંકન ખરડાને પસાર કરાવવા માટે મોદી સરકાર ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારીમાં હોવાના અહેવાલને સરકારે આજે રાત્રે નકાર્યો હતો. મહિલા અનામત અને સીમાંકન ખરડા અંગે 16થી 18 ઓગસ્ટ સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો કોઇ પ્રસ્તાવ નથી એમ સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું. જો કે, સરકાર આ ખરડા પસાર કરાવવા પ્રયત્નશીલ હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું. આ પહેલાં એવા અહેવાલ વહેતા થયા હતા કે, સરકાર સીમાંકન ખરડા માટે વિશેષ સત્ર બોલાવવા તૈયારી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ બુધવારે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને બેઠકમાં 50 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી, જેમાં સીમાંકન બિલની ચર્ચા પણ થઇ હોવાનું મનાય છે. સંસદ ભવન પરિસરમાં વિપક્ષી સાંસદોનાં વિરોધ પ્રદર્શન પહેલાં રિજ્જુ સાથે મુલાકાત અંગે કોંગ્રેસ સાંસદ કે. સી. વેણુગોપાલે કહ્યું હતું કે, સીમાંકન મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષનું વલણ એકસમાન છે. દરમ્યાન, રાજ્યસભા બાદ લોકસભામાં પણ આજે બુધવારે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની સંખ્યા વધારવાનું વિધેયક પસાર થઇ ગયું હતું. બંને ગૃહમાં આ ખરડો પસાર થઇ જતાં હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ વિધિવત્ કાયદો બની જશે અને સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત ન્યાયમૂર્તિઓની સંખ્યા 34માંથી વધીને 38 થઇ જશે. લગભગ 50 મિનિટ ચાલેલી બેઠક દરમ્યાન રાહુલ ગાંધીએ રિજ્જુને સ્પષ્ટ કહી દીધું હતું કે, પહેલાં દિલ્હી પોલીસે પ્રદર્શનકારી છાત્રો પર કરેલી કાર્યવાહીના મુદ્દે સંસદમાં ચર્ચા કરાવાય, તેવું વિપક્ષ ઇચ્છે છે. બેઠક દરમ્યાન સરકારે સીમાંકન તેમજ એફસીઆરએ વિધેયક પર પણ ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંત્રી રિજ્જુએ રાહુલ અને પ્રિયંકાને આ બંને ખરડા પર સમર્થન આપવા અપીલ કરી હતી. કોંગ્રેસ સહિત વિપક્ષોનું વલણ સ્પષ્ટ છે કે, સીમાંકન વિધેયક પર ચિંતાઓનું સમાધાન થયા પછી જ કોઇ અંતિમ ફેંસલો લેવાશે. સરકાર સીમાંકન સહિત મહત્ત્વપૂર્ણ વિધેયકો પર વાતચીતના માધ્યમથી સહમતી સાધવા ઇચ્છે છે, પરંતુ મક્કમ વિપક્ષના અડગ વલણને જોતાં સરકાર માટે કપરાં ચઢાણની સ્થિતિ દેખાય છે. સીમાંકન વિધેયક દેશમાં વસતીના તાજા આંકડાઓના આધારે લોકસભા અને વિધાનસભા ક્ષેત્રોની સીમાઓ નવેસરથી નક્કી કરવાની કવાયત સાથે જોડાયેલું છે.

Panchang

dd