• મંગળવાર, 25 જૂન, 2024

ઓસી સામેની ટીમ જાહેર : અશ્વિનની વાપસી

મુંબઈ, તા.18: વર્લ્ડ કપની ઠીક પહેલા તા. 22 સપ્ટેમ્બરથી રમાનાર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ત્રણ મેચની વન ડે સિરીઝની ભારતીય ટીમનું સુકાન ઇજા બાદ એશિયા કપમાં વાપસી કરનાર વિકેટકીપર-બેટર કે એલ રાહુલને સોંપાયું છે. બીસીસીઆઇએ આજે ઓસ્ટ્રેલિયા સામેના પહેલા બે વન ડે મેચની ટીમ જાહેર કરી છે. જેમાં અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વાપસી થઈ છે જ્યારે નિયમિત કપ્તાન રોહિત શર્મા, સ્ટાર વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડયા સહિતના કેટલાક સિનિયર ખેલાડીઓને વિશ્વ કપને ધ્યાને રાખીને વિશ્રામ અપાયો છે. ભારતીય ટીમના ઉપકપ્તાનની જવાબદારી પહેલીવાર સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સોંપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ પહેલો વન ડે મેચ મોહાલીમાં તા. 22મી અને બીજો મેચ તા. 24મીએ ઇન્દોરમાં રમશે. આ બે મેચની ભારતીય ટીમના 1પ ખેલાડીમાં ઇજાગ્રસ્ત શ્રેયસ અય્યર સામેલ છે જ્યારે વર્લ્ડ કપ ટીમનો ખેલાડી અક્ષર પટેલ ઇજાને લીધે બહાર થયો છે. તે કદાચ રાજકોટમાં તા. 27મીએ રમાનાર શ્રેણીના ત્રીજા અને આખરી વન ડેમાં વાપસી કરશે.  ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદર જેવા યુવા ખેલાડી સામેલ છે જ્યારે એશિયા કપનો હીરો મોહમ્મદ સિરાઝ પણ ઓસ્ટ્રેલિયા સામે રમશે. બુમરાહ અને શમી પણ ટીમમાં છે. ભારતની ટીમ : કે એલ રાહુલ (વિકેટકીપર-કપ્તાન), રવીન્દ્ર જાડેજા (ઉપ કપ્તાન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઇશાન કિશન, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang