આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 6 : બુધવારે સાંજે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ મહિલા ક્રિકેટ વિશ્વકપ વિજેતા ટીમ ઇન્ડિયા આજે
રાષ્ટ્રપતિ ભવનની મહેમાન બની હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશને ગૌરવ અપાવનારી
દેશની દિકરીઓને આવકારી હતી અને ખેલાડીઓ સાથે આત્મીયતાથી વાતચીત કરી હતી. ટીમ તરફથી
કૅપ્ટન હરમનપ્રિત કૌરે હસ્તાક્ષર કરેલી જર્સી રાષ્ટ્રપતિને ભેટમાં આપી હતી. રાષ્ટ્રપતિએ
પણ વર્લ્ડકપ અને વિજેતા ટીમ સાથે તસવીર પડાવી હતી. રાષ્ટ્રપતિ મુર્મૂએ ક્રિકેટમાં ઐતિહાસિક જીત બદલ
દિકરીઓની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તમે માત્ર ખેલાડી જ નહીં પરંતુ
વિવિધ ક્ષેત્રમાં કૌવત દાખવવા ઇચ્છતી દેશની કરોડો દિકરીઓ માટે પ્રેરણા છો. ક્રિકેટની
આ જીતે હજારો દિકરીઓને પ્રેરણા આપી છે એટલું જ નહીં આખી યુવાપેઢી માટે ટીમ ઇન્ડિયા
આદર્શ બની ચૂકી છે. રાષ્ટ્રપતિની ટીમ ઇન્ડિયા
સાથે મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ભવન તરફથી તસવીર સાથે સોશ્યલ મીડિયામાં કરાયેલી પોસ્ટમાં
જણાવાયું હતું કે આઇસીસી મહિલા વિશ્વકપ 2025ની વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓએ ગુરૂવારે રાષ્ટ્રપતિ
ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિએ ટીમને અભિનેદન આપ્યા
હતા અને જણાવ્યું હતું કે આ ઇતિહાસ રચીને તમે દેશની યુવા પેઢી માટે એક આદર્શ સ્થાપિત
કર્યો છે. આ ટીમ ચમકતા ભારતનું પ્રતિબિંબ છે, જે વિભિન્ન ક્ષેત્ર, સામાજિક પૃષ્ઠભૂમિ અને વિભિન્ન પરિસ્થિતિઓનું
પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ ટીમ એક છે.