રાજધાની દિલ્હીમાં ફરી પ્રદૂષણે હદ વટાવી દીધી છે. તેને કારણે
પર્યાવરણવાદીઓ ચિંતામાં મુકાય છે. દર વર્ષે દિવાળી પછી આવી પરિસ્થિતિ ઊભી થાય છે અને
તેને નિવારવાનાં પગલાં લેવાય છે, પણ એ
અપૂરતાં રહે છે. આ સમસ્યા હમણાની નથી, દાયકાથી પર્યાવરણ સંરક્ષણ
ક્ષેત્રે જોડાયેલા લોકો અને સંસ્થાઓ પ્રદૂષણ સંકટ સામે ચેતવતા રહ્યા છે, પણ સમસ્યા વધુ ને વધુ વકરી રહી છે. સ્વાસ્થ્ય માટે ઘાતક બની રહેલી આ સમસ્યાની
વિકરાળ સ્થિતિ વિશે પ્રકાશ પાડતાં મેડિકલ જર્નલના તાજેતરના અહેવાલમાં દાવો કરાયો છે
કે, દેશની હવામાં 2010ની તુલનાએ 2022 સુધી પ્રદૂષણવાહક પીએસ 2.5 કણોની માત્રામાં 38 ટકાનો વધારો નોંધાયો છે, જેને કારણે સત્તર લાખ લોકોને અસર થઇ છે અને તેનું આર્થિક નુકસાન તો અલગ જ છે.
અલબત્ત, આ આંકડા પર કોઇ વિશ્વાસ કરે કે નહીં, પણ એ હકીકત છે કે દિવાળી પછી દિલ્હી અને અન્ય શહેરોમાં પ્રદૂષણ ઘાતક સ્તરે
પહોંચી ગયું છે. એક આંતરરાષ્ટ્રીય એજન્સીએ તો દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર
કહ્યું છે. એ વાત પણ ચિંતા જગાવે છે કે, હોસ્પિટલોમાં આવતા પ્રદૂષણના
ભોગ બનેલા લોકોની સંખ્યા વધી રહી છે. પેટનો ખાડો પૂરવા દોડતા લોકોને તો અંદાજો જ નથી
હોતો કે તેઓ કેટલી ઝેરી હવા લેતા હોય છે. પ્રદૂષણની આવી વિકટ સ્થિતિ આપણા માટે ચિંતાનો
વિષય તો છે જ, સાથે શરમજનક પણ છે. કેમ કે, આપણે હવાની ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ રહ્યા છીએ. ઠંડીની મોસમ શરૂ થતાં જ દિલ્હી
અને આસપાસમાં ઊભા થતા પ્રદૂષણ વિશે આખું વર્ષ કેમ વિચારાતું નથી ? આપણે શા માટે હવાની ગુણવત્તા સારી રાખવા માટે પહેલ નથી કરતા. એ માત્ર સરકારી
કામગીરી તો નથી જ. આપણી પણ જવાબદારીમાં આવે છે. વાહનોનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, નદીઓમાં પ્રદૂષણ આપણે જ ફેલાવતા રહીએ
છીએ અને જ્યારે કાબૂ બહાર જાય ત્યારે સરકાર પર દોષારોપણ શા માટે ? હકીકતમાં પ્રદૂષણ એ મોસમના બદલાવ કે પરાળ સળગાવવાથી જ નથી થયું, ઉદ્યોગ પણ તેમાં સામેલ હોય છે. આ ઉપરાંત મકાન નિર્માણ દરમ્યાન ઊઠતી ધૂળ પણ
હવાની ગુણવત્તા બગાડે છે. ટૂંકમાં એમ કહી શકાય કે આપણા જીવનની કૃત્રિમતા અને સુવિધાયુક્ત
જીવનશૈલી આ માટે મોટું કારણ છે. આપણે જ આ સમસ્યા પ્રત્યે આખું વર્ષ ઉદાસ રહીએ છીએ.
આપણે જેટલી સ્વચ્છ હવા જાળવવાનો પ્રયાસ કરીશું એટલી જ હવાની ગુણવત્તા સુધરવાની એ નક્કી.