પટણા, તા. 6 : મતચોરીથી માંડીને મતદારયાદી
સુધારણા તેમજ ઘૂસણખોરો સહિત મુદ્દે જામેલા રાજકીય સંગ્રામ વચ્ચે બિહારની વિધાનસભા ચૂંટણીનાં
પ્રથમ ચરણમાં વિક્રમસર્જક 64.46 ટકા મતદાર
થયું હતું. પહેલા તબક્કાનું મતદાન સંપન્ન થતાંની સાથે જ રાજ્યના 18 જિલ્લાની 121 બેઠક પર ગુરુવારે 1314 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ
થઇ ગયા હતા. સામાન્ય ઘર્ષણની છૂટક ઘટનાઓને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.
બિહારની 104 બેઠકો પર સીધો મુકાબલો છે, તો 17 બેઠકો પર ત્રિકોણીય જંગ છે. રાજ્યની કુલ‰લ 243 બેઠક પર બે
ચરણમાં ચૂંટણી બાદ 14મી નવેમ્બરના
દિવસે પરિણામ આવશે. પહેલા દોરમાં બે નાયબ મુખ્યમંત્રી સહિત 18 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર
છે. તેજસ્વી યાદવ, તેજપ્રતાપ
યાદવ, સમ્રાટ ચૌધરી, વિજયકુમાર સિંહા,
અનંતકુમાર સહિત અનેક મોટા ચહેરા છે. પ્રથમ ચરણમાં કુલ્લ 3,75,13,302 મતદારોએ મતાધિકારનો પ્રયોગ
કરવાનો હતો, જેમાંથી 1,98,35,325 પુરુષ અને 1,76,77,219 મહિલા છે. અંતિમ અહેવાલ અનુસાર
બિહારમાં જ્યાં સૌથી વધારે 64.01 ટકા મતદાન
થયું તે રાધોપુર બેઠક પરથી લાલુપ્રસાદ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવ રાજદના ઉમેદવાર
છે. તેજસ્વીએ પોતાની કારકિર્દીની શરૂઆત આ જ બેઠક પરથી કરી હતી. 2015 અને 2020માં આ બેઠક જીતી ચૂકેલા તેજસ્વીને
મહાજોડાણે મુખ્યમંત્રી પદનો ચહેરો ઘોષિત કર્યે છે. બીજીતરફ ભાજપે આ બેઠક પરથી સતીશકુમારને
મેદાનમાં ઉતાર્યા છે. સતીશકુમાર 2010માં જેડીયુની
ટિકિટ પર તેજસ્વીના માતા અને રાજદ ઉમેદવાર રાબડીદેવીને હાર આપી હતી. બિહારના નાયબ મુખ્યમંત્રી
સમ્રાટ ચૌધરીને આ વખતે તારાપુરથી ઉતારાયા છે. અગાઉ સમ્રાટ પરબતા બેઠક પરથી રાજદની ટિકિટ
પર જીત્યા હતા. 2014માં રાજદથી
અલગ થયા બાદ અત્યારે ભાજપ વતી સમ્રાટ ચૂંટણી લડી રહ્યા છે. લખીસરાયથી ભાજપની ટિકિટ
પર જીતની હેટ્રિક કરનાર વિજયકુમાર સિંહા વધુ એકવાર આ બેઠક પરથી મેદાનમાં છે. બિહારના
ઉપમુખ્યમંત્રી સિંહા 2005માં પહેલીવાર
જીત્યા હતા. બાહુબલી અને જેડીયુ ઉમેદવાર અનંતસિંહ હત્યાકાંડ બાદ બહુચર્ચિત મોકામા બેઠક
પરથી લડી રહ્યા છે.