ભુજ, તા. 6 : ઘણી જગ્યાએ ગેસની લાઈન આવી
ગઈ છે, પરંતુ ગેસના બાટલાનો વપરાશ અવિરત રહ્યો છે.
ગેરકાયદે ગેસના બાટલા અને રિફિલિંગની પ્રવૃત્તિઓ વ્યાપી રહેવાની બૂમ વચ્ચે માંડવી તાલુકાનાં
બિદડા ગામે એલસીબીએ દરોડો પાડીને ગેરકાયદે ગેસના બાટલા ભરી આપવાની આ કાંડનો પર્દાફાશ
કરી 311 બાટલા કબજે કર્યા હતા. એલસીબીની ટીમ માંડવી તાલુકા વિસ્તારમાં ગઈકાલે પેટ્રાલિંગમાં
હતી, ત્યારે માહિતી મળી કે, માંડવી તાલુકાનાં બિદડા ગામે મફતનગરમાં રહેતા જયેશ ખીમજી રાજગોર પોતાના કબજાનાં
મકાનમાં ગેરકાયદે રીતે રાંધણગેસ અને કોમર્શિયલ ગેસના બાટલા રાખે છે અને તેનું રિફાલિંગ
કરે છે. આથી એલસીબીની ટીમે તપાસ કરતાં મકાનમાં છોટાહાથી વાહન હતું, જેમાં ગેસના બાટલા ભરેલા હતા. આ ઉપરાંત
મકાનના બન્ને રૂમમાં રાંધણગેસની બોટલો રાખવામાં આવી હતી. બીજા રૂમમાં વજન કરવાનો કાંટો,
ગેસ રિફાલિંગનાં સાધનો હતાં. પોતાની અને બીજાની જિંદગી જોખમાય તે રીતે
ગેસ રિફાલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ પ્રવૃત્તિ અંગે કોઈ પણ પ્રકારની
પાસ-પરમીટ કે પુરવઠા અધિકારી પાસે મંજૂરી લેવામાં આવી ન હતી. જેથી મુદ્દામાલ કબજે કરવામાં
આવ્યો હતો. બે અલગ અલગ કાર્યવાહીમાં એક જ આરોપીના ગેસના બાટલા પકડાયા હતા, જેમાં 19 કિલોની ક્ષમતાવાળા
ભરેલા 53 બાટલા, 14 કિલોની ક્ષમતાવાળા
ભરેલા 47 બાટલા, પાંચ કિલોની ક્ષમતાવાળા 63 બાટલા, બે કિલોની ક્ષમતાવાળા પાંચ બાટલા, 143 ખાલી બાટલા તથા ચાર નોઝલ અને
મોટર, ત્રણ ઈલેક્ટ્રિક વજનકાંટા, બોલેરો ગાડી, છોટાહાથી વગેરે મળી કુલ રૂા. 11, 89, 500નો મુદ્દામાલ કબજે લેવામાં
આવ્યો હતો. બિદડાના જયેશ ખીમજી રાજગોરની અટકાયત કરી કોડાય પોલીસમાં બે અલગ અલગ ગુના
દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. દરમ્યાન, આરોપી જયેશની પુછતાછમાં તેણે જણાવ્યું હતું કે, તે 19 કિલોની ક્ષમતાવાળી કોમર્શિયલ
ગેસની બોટલોમાંથી ગેસ રિફિલિંગ કરી 14 કિલો અને પાંચ કિલોની બોટલો ભરી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતો
હતો.