• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

બિહારની જનતાને લોભામણા વચનોની લ્હાણી..!

બિહારમાં છઠ્ઠી તારીખે વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાશે, તે પહેલાં રાજકીય ધમધમાટ જામ્યો છે. ફરી એકવાર વિકાસના વાયદા અપાઇ રહ્યા છે. આ વખતે પ્રશાંત કિશોર પણ જન સુરાજ દ્વારા ચૂંટણી મેદાનમાં છે. બિહારમાં એનડીએ વિકાસ અને સ્થિરતા પર જોર આપે છે અને સફળ રહેલો `ડબલ એન્જિન સરકાર'નો નારો બુલંદ બનાવાઇ રહ્યો છે, સામે પક્ષે મહાગઠબંધન રોજગાર, ઘર - ઘર નોકરી અને નવસર્જનની વાત કરે છે. મતદારોને રીઝવવા માટે વચનોની લહાણી પણ વિધાનસભા ચૂંટણી ટાંકણે શરૂ થઇ ગઇ છે. આ સ્પર્ધામાં તેજસ્વી યાદવ આગળ છે. વચનોની યાદી ઇન્ડિયા મોરચાના ઘોષણાપત્રમાં આપવામાં આવી છે અને ઘોષણાપત્ર - ઢંઢેરાને નામ આપવામાં આવ્યું છે - `તેજસ્વી પ્રણ'. આ ઘોષણાપત્ર દ્વારા તેજસ્વી યાદવની મુખ્યપ્રધાનપદની દાવેદારીને સમર્થન આપવામાં આવ્યું છે. ઘોષણાપત્રમાં રાજ્યમાં દરેક પરિવારની એક વ્યક્તિને નોકરી આપવાનું વચન છે. કોંગ્રેસી મહાગઠબંધનને વિધાનસભામાં બહુમતી મળે અને સરકાર રચાય તે પછી વીસ મહિનાની અંદર નોકરી આપવાનાં વચનનો અમલ શરૂ થશે. સરકાર પાંચ વર્ષ ટકે તો કુલ સવા કરોડ યુવાનોની બેકારી દૂર થશે એમ જણાવાયું છે. બિહારમાં બેકારીની સમસ્યા ઘણી મોટી છે, તેથી દેશભરમાં - ખૂણે ખૂણે બિહારીઓને નોકરી કે ધંધા - રોજગાર મળી રહે છે. મુખ્યપ્રધાન નીતીશકુમારે પણ નોકરીને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી છે.  સાથે જીવિકાદીદીને પગારવધારો અને અન્ય 25 સંકલ્પપત્રો એનડીએ દ્વરા રજૂ થયા છે. તેજસ્વી યાદવ એક - બે કદમ આગળ વધીને કહે છે - બિહારના યુવાનોને નોકરી માટે પ્રથમ પસંદ કરવામાં આવે તેવી વ્યવસ્થા થશે અને કોન્ટ્રાક્ટ ઉપર લેવાયેલા લોકોને `રેગ્યુલર' બનાવાશે. બિહારમાં નશાબંધી છે, પણ તે નિષ્ફળ ગઈ છે, તેથી અમને સત્તા મળે તો બિહારમાંની નશાબંધી ઉઠાવી લેવાશે. તાડીની છૂટ અપાશે એવું તેજસ્વીનું પ્રણ છે કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનું વચન અપાયું છે . રાજકીય નેતાઓ ચૂંટણી વચનોની લહાણી કરવામાં કોઈ કચાશ રાખતા નથી, પણ તેનો અમલ કેવી રીતે થાય છે તે મહત્ત્વનું છે. ભૂતકાળમાં નોકરી આપવાનાં બહાને લોકોને છેતરવામાં આવ્યા હતા. લોકોની જમીન સામે નોકરી આપવાની ઠગાઈ કરી હોવાનો વિવાદ તાજો છે. નોકરીનાં નામે લાલુ પરિવારે ભારે ભ્રષ્ટાચાર કર્યો હતો તેની યાદ અપાવાઈ રહી છે. એનડીએ છાવણી કહે છે કે, વિરોધ પક્ષ સત્તાથી દૂર જ રહેશે એવું જાણે છે એટલે જૂઠ્ઠા વાયદાની ભ્રમજાળ ઊભી કરવામાં આવી રહી છે. બિહારની જનતાને મોદી-નીતીશના નેતૃત્વમાં વિશ્વાસ છે. સત્તાપક્ષ એનડીએ દ્વારા અપાયેલો મહિલા સશક્તિરણનો વાયદો મહત્ત્વનો બની રહેશે. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ 1.21 કરોડ મહિલાઓને 10000 રૂપિયાની સહાયતા, વિધવા અને વૃદ્ધોને માનદેયમાં વધારો લેવાનાં પગલાંથી એનડીએ જીત પ્રત્યે આશ્વસ્ત છે. આમ પણ બિહારમાં નીતીશના મહિલા સમર્થકો મોટી સંખ્યામાં છે. ભલે નીતીશની 74 વર્ષની વય રોજગારીની શોધમાં બદલાવ ઇચ્છતા યુવાવર્ગ માટે આકર્ષણરૂપ નથી, પણ નીતીશકુમારની તરફેણમાં બિહારમાં આવેલો બદલાવ જમા પાસું છે. મહાગઠબંધને તેજસ્વી યાદવને મુખ્યપ્રધાન તરીકે રજૂ કરી યુવાવર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે, પણ લાલુ પરિવારનું જંગલરાજ અને ભ્રષ્ટાચાર તેમના માટે મુસીબત બની રહ્યા છે. એનડીએ આ જ મુદ્દો ચગાવે છે. લાલુને પ્રચાર-પોસ્ટરોમાં સ્થાન નથી અપાયું. મોદીએ ભરી સભામાં સવાલ કર્યો કે આમ કેમ ? આરજેડીને જનતાનો ડર લાગવા માંડયો છે ? ચૂંટણીના ઘોષણાપત્રમાં અપાતાં વચનો કાગળ ઉપર જ રહે છે કે, તેનો અમલ થાય છે? ચૂંટણીની મોસમમાં લોકોની આશા-અપેક્ષા વધારવા માટે વચનો અપાય છે, પણ સત્તામાં આવ્યા પછી અમલ કરવામાં મુશ્કેલી નડે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે બેફામ રાહતો અને લહાણી જાહેર કરી ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ મફતની રેવડીઓ વહેંચવાની સ્પર્ધા છે. આજે વ્યવહારમાં ભાજપ-એનડીએ માટે પણ વચનો અને રાહતોની લહાણી કર્યા સિવાય છૂટકો નથી. આજનાં રાજકારણની આ સ્થિતિ છે. 

Panchang

dd