અમેરિકાના બટકબોલા-મિજાજી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અણધાર્યાં
નિવેદનો માટે જાણીતા છે. ટેરિફ મુદ્દે ભારત સાથે ચાલતાં શીતયુદ્ધ વચ્ચે તેઓ અચાનક નરેન્દ્ર
મોદીને ખાસ મિત્ર લેખાવીને વખાણ કરે ને અમુક કલાકોમાં ભારતને નિશાન બનાવીને બોલવા મંડે.
હાલમાં તેમણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે, પાકિસ્તાન, ચીન, રશિયા અને ઉત્તર
કોરિયા ભૂગર્ભ અણુપરીક્ષણ કરી રહ્યાં છે. આ વિધાનની દુનિયાએ નોંધ લીધી. આ બાબતની પુષ્ટિ
કોઇ બાજુથી નથી થઇ, પણ પશ્ચિમ એશિયા અને પશ્ચિમી જગતના તણાવગ્રસ્ત
માહોલને જોતાં તેની સદંતર અવગણના થઇ શકે તેમ નથી. દુનિયામાં અણુસામગ્રી, શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સંભાળતી આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા
એજન્સીએ સૂચિત ગુપ્ત ભૂગર્ભ અણુપરીક્ષણો વિશે ચૂપકી સાધેલી છે. એક આરોપી પાકિસ્તાને
અણુપરીક્ષણની વાતનો ઇન્કાર કર્યો છે, ચીને પણ કહી દીધું છે,
આવું કંઇ નથી. આ બંને દેશ ભારતની પડોશમાં છે. બંને વચ્ચે સાંઠગાંઠ છે.
ચીન પાકિસ્તાનના રક્ષકની ભૂમિકામાં હોવાનું ઓપરેશન સિંદૂર દરમ્યાન સાબિત થઇ ચૂક્યું
છે. અમેરિકા સાથેની પાકિસ્તાનની વધતી નિકટતા અને ભારતને તાણમાં રાખવાની ટ્રમ્પની મનસા
જોતાં સાચું ચિત્ર ગુંચવાડા ભરેલું છે. અલબત્ત, જેમ ટ્રમ્પના
બયાન બિનભરોસાપાત્ર હોય છે તેમ ચીન-પાકિસ્તાનના ઇન્કાર ઉપરે વિશ્વાસ મૂકવા જેવો નથી.
સંભવ છે કે, અમેરિકી ગુપ્તચર એજન્સીઓના હેવાલના આધારે ટ્રમ્પે
આ નિવેદન આપ્યું હશે. દુનિયામાં અત્યારે યુદ્ધ ઉન્માદનો માહોલ છે. યુક્રેન-રશિયા સંઘર્ષ
ત્રણ વર્ષ પછીએ ભીષણ બની રહ્યો છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ સંઘર્ષ વિરામ છતાં ગમે તે ઘડીએ
પાછું ધખી ઊઠે તેમ છે. અમેરિકા વેનેઝુએલા પર નિશાન તાકી બેઠું છે, તો પુતિન નાટો-અમેરિકાને હુમલાની ચીમકી આપી
રહ્યા છે. આ સ્થિતિમાં શક્તિશાળી અથવા તો આક્રમક દેશો છાને ખૂણે અણુશત્રો સજી રહ્યા
હોય એવી પૂરી સંભાવના છે. રશિયાએ હાલમાં જ પોસીડોલ અંડર વોટર અણુ ડ્રોન પરીક્ષણ કર્યું.
ટ્રમ્પે કહ્યું કે, બીજા દેશો પરીક્ષણ કરતા રહેશે તો અમેરિકાએ
પાછળ નહીં રહે. એક સમયે અણુ નિ:શત્રીકરણનો સંદેશ વ્યાપક રીતે અમલી બન્યો હતો,
ત્યાં નવેસરથી પરમાણુ શત્રો વિકસાવવાની હોડ લાગી છે. પ્રાદેશિક વર્ચસ્વ
વધારવા માટે ખરેખર રૂસ-ચીન-પાકિસ્તાન ગુપ્ત પરીક્ષણ કરી રહ્યાં હોય તો એ સ્થિતિ ભારત
માટે ચિંતાજનક છે. એ બંને પડોશી દેશો બિનભરોસાપાત્ર છે અને ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના
નેતાઓ અણુહુમલાની ચીમકી આપતા રહ્યા છે. ભારત હંમેશાં શાંતિપ્રિય દેશ રહ્યો છે. 1998 પછી કોઇ પરમાણુ પરીક્ષણ નથી
કર્યું. ગુપ્ત પરીક્ષણોના બહાર આવી રહેલા હેવાલોથી વિચલિત થઇને કોઇ ઉતાવળે પ્રતિક્રિયા
આપવાની જરૂર નથી, પરંતુ ખુફિયા
નેટવર્ક વધુ ગતિશીલ-અસરકારક બનાવીને બાજ નજર રાખવી પડશે. સાથોસાથ આપણી સંરક્ષણનીતિમાં
પણ જરૂર પડયે બદલાવ લાવવો રહ્યો. પ્રતિસ્પર્ધી દેશો સક્રિય છે, તો હાથ જોડીને બેસી રહેવામાં માલ નથી. એ કમજોરી જ લેખાશે. સદ્નસીબે વર્તમાન
કેન્દ્ર સરકારે પ્રો એક્ટિવ નીતિ અપનાવી છે અને નાપાક હુમલા કે આતંકી હુમલામાં ઇંટનો
જવાબ પથ્થરથી અપાઇ રહ્યો છે. અણુશત્રો મહાવિનાશક હોય છે અને તેના પ્રયોગથી ન માત્ર
વર્તમાન પેઢી બલ્કે ભાવિ પેઢીઓને સહન કરવું પડે છે એ હીરોશીમા-નાગાસાકીના અનુભવ પરથી
દુનિયા જોઇ ચૂકી છે. ભારત અણુશત્રનો પહેલો ઉપયોગ નહીં કરવાની નીતિનું સમર્થક છે,
પણ પોતાના અણુશત્ર ભંડાર, સરંજામ-સામગ્રીની નિયમિત
ચકાસણી થતી રહેવી જોઇએ. સતર્કતા સાથે રણનૈતિક સ્વાયતતા અકબંધ રહેવી જોઇએ દુનિયાનાં
દબાણમાં આવ્યા વિના.