મુંબઇ, તા. 4 : ભારતની વિશ્વ કપ વિજેતા ટીમની
ત્રિપુટી ઓપનર સ્મૃતિ મંધાના, મીડલઓર્ડર
બેટર જેમિમા રોડ્રિગ્સ અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને આઇસીસી મહિલા વર્લ્ડ કપ ટીમ ઓફ
ધ ટૂર્નામેન્ટમાં જગ્યા મળી છે. ભારતીય મહિલા ટીમે રવિવારે દ. આફ્રિકાને બાવન રને હાર
આપીને પહેલીવાર વન ડે વિશ્વ કપ ટ્રોફી જીતી હતી. ભારત ઉપરાંત ઉપવિજેતા દ. આફ્રિકા અને
ઓસ્ટ્રેલિયા ટીમની 3-3 ખેલાડી સામેલ
છે. આફ્રિકા ટીમનું સફળ નેતૃત્વ કરી ફાઇનલમાં પહોંચાડનાર લોરા વુલફાર્ટ વિશ્વ કપ ટીમની
કેપ્ટન બની છે. વિકેટકીપર તરીકે પાકિસ્તાનની સિદરા નવાઝ પસંદ થઇ છે. ભારતીય કપ્તાન
હરમનપ્રિત કૌરને વિશ્વ ટીમમાં જગ્યા મળી નથી. સ્મૃતિ મંધાનાએ ટૂર્નામેન્ટમાં પ4.2પની સરેરાશથી કુલ 434 રન કર્યાં હતા. જેમાં એક સદી
અને બે અર્ધસદી હતી. જેમિમાએ 292 રન બનાવ્યા
હતા. તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ ઓસ્ટ્રેલિયા સામેના સેમિ ફાઇનલમાં હતો. આ મેચમાં તેણીએ
મહિલા ક્રિકેટની યાદગાર ઇનિંગ રમીને અણનમ 127 રન કરી ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી જ્યારે પ્લેયર ઓફ
ધ ટૂર્નામેન્ટ બનેલી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 21પ રન કર્યાં હતા અને 22 વિકેટ લીધી હતી. આફ્રિકાની કપ્તાન લોરા વુલફાર્ટે ટૂર્નામેન્ટમાં
સર્વાધિક પ71 રન બનાવ્યા હતા. તેણે મહિલા
વિશ્વ કપની એક સીઝનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો છે. આઇસીસી વન ડે વર્લ્ડ કપ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ :
સ્મૃતિ મંધાના (ભારત), લોરા વુલફાર્ટ
(દ.આફ્રિકા-કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ (ભારત), મારિજાન કાપ (દ.આફ્રિકા), એશ્લે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા),
દીપ્તિ શર્મા (ભારત), અનાબેલ સદરલેંડ (ઓસ્ટ્રેલિયા),
સિદરા નવાજ (વિકેટકીપર-પાકિસ્તાન), નદીડ ડી કલર્ક
(દ.આફ્રિકા), અલાના કિંગ (ઓસ્ટ્રેલિયા), સોફી એકલેસ્ટોન (ઇંગ્લેન્ડ) અને 12મી ખેલાડી નેટ સિવર બ્રંટ (ઇંગ્લેન્ડ).