• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

દેશની સુરક્ષા માટે કચ્છ સીમાએ સજાગતા જરૂરી

ભુજ, તા. 6 : કચ્છનાં સીમાવર્તી ગામડાંની મુલાકાતે આવેલા ગુજણરાતના યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સરહદી વિસ્તારના નાગરિકોને સજાગ રહેવાનો સંદેશો આપતાં જણાવ્યું હતું કે, દુશ્મનનાં પગલાં ઓળખી જવાની ક્ષમતા અહીંનાં ગામડાંના દરેક લોકોને વર્ષોથી છે. તેમણે શત્રુઓને પારખવાની કળા પેઢી દર પેઢી વારસામાં આપીને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવતું યોગદાન આપવા લોકોને હાકલ કરી હતી. નાની વયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા પછી હર્ષભાઈ સંઘવી આજે પહેલી વખત કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેમની પાસે ગૃહ વિભાગનો પણ હવાલો હોવાથી કચ્છ સીમાનાં ગામોમાં 30 વરિષ્ઠ આઈ.પી.એસ. અધિકારી સાથે સંવાદ કરવા આજે સવારે રેલ માર્ગે ભુજ પહોંચ્યા હતા. બે દિવસના પ્રવાસમાં સવારે ભુજમાં ભાજપ પક્ષના આગેવાનોને મળ્યા બાદ માતાના મઢમાં આશાપુરા માતાજી અને લખપત ગુરુદ્વારામાં શીશ નમાવ્યા બાદ પાકિસ્તાનથી નજીક એવા પુનરાજપુર ગામે પહોંચી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તીર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વરનાં પણ દર્શન કર્યાં હતાં. લખપત તાલુકાનાં પુનરાજપુર ગામે ગ્રામજનોને સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના 30 ઉચ્ચ આઈપીએસ અધિકારી પણ તેમની સાથે અલગ-અલગ સરહદી ગામડાંઓની મુલાકાત લઈ રહ્યા છે. ગામડાંઓની મુલાકાત દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સામાજિક, આર્થિક પરિસ્થિતિ, માળખાંકીય સુવિધાઓ સહિતના વિવિધ 40 જેટલા મુદ્દા પર ગ્રામજનો સાથે ચર્ચા કરીને તેનો વિગતે હેવાલ તૈયાર કરવામાં આવશે.  પુનરાજપુર ગામને દેશનું સરહદી ગામ અને ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાવીને નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સરહદી ગામ પુનરાજપુરનો અનોખો ઈતિહાસ રહ્યો છે. પુનરાજપુર ગામની ધરતી એ દેશભક્તોની ધરતી છે. ગામની વસ્તી ભલે ઓછી હોય, પણ દુશ્મન સામે લડવાની શક્તિ અપાર છે. આપણાં સરહદી ગામડાંઓની સુવિધાઓ જોઈને ઈર્ષ્યા આવે એવી વ્યવસ્થાઓ સરકારે ઊભી કરી છે. વિકાસની દૃષ્ટિએ સરહદ પાર પાકિસ્તાનનાં ગામડાંઓ અને ભારત તરફનાં ગામડાંઓમાં જમીન- આસમાનનો ફરક દેખાઈ આવે છે.  અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ કચ્છના વિકાસ અંગે નાયબ મુખ્યમંત્રીને અવગત કરાવીને સરહદી ગામડાંઓની ચિંતા કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પુનરાજપર ગામે આવેલા નાયબ મુખ્યમંત્રીનું કચ્છી સંસ્કૃતિ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનો સાથે ભોજન લઈને ગામની સામાજિક, આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ વડીલો, નાગરિકો સાથે સંવાદ કરીને કોઈ પણ સમસ્યા હોય, તો દિલ ખોલીને વાત કરવા તેમજ સરકાર દ્વારા તેનો ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સદસ્યઓ, અગ્રણી ધવલ આચાર્ય, રેન્જ આઇજી ચિરાગ કોરડિયા, કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. - સીમાએ ખડેપગે રહેતા જવાનોનું ગુજરાત ઋણી  : ગૃહ વિભાગનો હવાલો સંભાળતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સીમાએ તૈનાત બીએસએફની 176મી બટાલિયનના અધિકારીઓ અને જવાનો સાથે વાતચીત કરીને તેમની સગવડ, પ્રશ્નો વગેરે જાણ્યા હતા. શ્રી સંઘવીએ કહ્યું કે, કચ્છના કોરીક્રીકથી સિરક્રીક ક્ષેત્રમાં ટાઢ, તાપ, વરસાદ વચ્ચે જવાનો ફરજ બજાવે છે. પોતાના પરિવારથી દૂર, તહેવાર ઉજવણીથી વંચિત વીરોની સુખસુવિધામાં કોઇ કચાશ ન રહે એ જોવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. તેમના કર્તવ્યભાવ અને સમર્પણની રાજ્ય સરકાર કદર કરે છે. આજે કચ્છ અને ગુજરાત વતી હું જવાનોનો આભાર માનું છું. 

Panchang

dd