• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

ઈસરોની સ્વદેશી સુરક્ષા સિદ્ધિ બાહુબલી અવકાશમાં

ભારતના અંતરિક્ષ કાર્યક્રમની શૃંખલામાં મોટી ઘટના ઘટી છે. `ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન'4410 કિલો વજનનો સેટેલાઈટ અવકાશમાં મૂક્યો. વજન ઉઠાવવાની તેની ક્ષમતાને લીધે `બાહુબલીનામ તેને અપાયું છે. મુખ્યત્વે તે ભારતીય નૌસેનાને સુરક્ષા સંબંધિત માહિતી આપવામાં સહાયક નીવડશે. આંધ્રપ્રદેશના સતીષ ધવન પ્રક્ષેપણ કેન્દ્ર પરથી પહેલીવાર આટલો ભારે ઉપગ્રહ છોડવામાં આવ્યો છે. ગૌરવમાં વધારો કરે તેવી બાબત એ છે કે, જેની સર્વત્ર ચર્ચા છે, તે સ્વદેશી શબ્દ હવે અંતરિક્ષમાં પણ વિહરશે. કારણ કે, આ બાહુબલી-જીસેટ 7આર (સીએમએસ-03) સ્વદેશી છે. ભારતમાં તેનું નિર્માણ થયું છે. નૌકાદળની પ્રત્યાયન ક્ષમતાને આ ઉપગ્રહ વધારે મજબૂત કરશે. વર્તમાન સમયમાં નૌકાદળ પાસે સંદેશાવ્યવહારનો મુખ્ય આધાર 2013માં પ્રક્ષેપિત થયેલો જીએસએટી-ઉપગ્રહ છે, જેને રુક્મિણી નામ અપાયું છે. યુદ્ધ જહાજો, સબમરીન, વિમાનો તથા સમુદ્રતટ ઉપર બનેલા કમાન્ડ સેન્ટર્સ વચ્ચે આ ઉપગ્રહ અત્યંત મહત્ત્વની કડી છે, પરંતુ તે જૂનો થઈ રહ્યો છે. હવે આ નવો ઉપગ્રહ ભારતના નેટવર્ક, યુદ્ધ ક્ષમતાને અનેકગણી મજબૂત કરશે. ભૂતકાળમાં જે યુદ્ધો થયાં તેમાં સમુદ્રી સીમાઓ ઉપર ભીષણ હુમલા થયા છે. સૌરાષ્ટ્ર નજીક ખુકરીની ઘટના હજી બાવન વર્ષ જૂની છે. મે 2025માં ભારતે પાકિસ્તાન ઉપર ઓપરેશન સિંદૂરના નામે પ્રહાર કર્યો, ત્યારે પણ જળસીમા ઉપર ખતરો હતો. ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી થશે, તો નૌકાદળના સ્ટેટેજિક કમાન્ડ કન્ટ્રોલ, વાયુ સુરક્ષા માટે આ ઉપગ્રહ સચોટ અને સમયસરનું પ્રત્યાયન કરશે, એમ કહેવાય કે, અત્યંત અગત્યની ક્ષણો તે સાચવી લેશે. `ઈસરો' ડિસેમ્બર 2018માં  5854 કિલોનો ઉપગ્રહ ફ્રેન્ચ ગયાનાથી લોન્ચ કર્યો હતો. આ બાહુબલી આપણી ધરતી ઉપરથી અવકાશમાં ગયેલો સૌથી ભારે ઉપગ્રહ છે. ઈસરોની આ સિદ્ધિના ઓવારણા વિશ્વ લઈ રહ્યું છે, તેની પાછળ પણ રસપ્રદ વાત છે. 1999માં થયેલા કારગીલ યુદ્ધ વખતે ઊંચા પર્વતશિખરો ઉપર બેઠેલા ઘૂસણખોરો અને તેના ઠેકાણાની માહિતી મળે તે માટે ભારતે અમેરિકા પાસે જીપીએસ સિસ્ટમની માગણી કરી, પરંતુ અમેરિકાએ ના કહી દીધી હતી. કારગિલ યુદ્ધમાં વિજયી થયા પછી તરત જ ભારતે આ તૈયારી શરૂ કરી હતી. 2001ની 18 એપ્રિલે આ પ્રકારનો પ્રથમ સેટેલાઈટ લોન્ચ થયો. સ્વદેશી કોમ્યુનિકેશન સેટેલાઈટની આ સિરીઝ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈસરોની આ સિદ્ધિ માટે વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યાં. નોંધપાત્ર વાત એ છે કે, માળખાંકીય સુવિધા, પર્વતીય ક્ષેત્રોમાં મોટા સેતુ કે સમુદ્રમાં પણ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી પરિવહન, સાગરની વચ્ચેથી ટનલ, શહેરોમાં મોટા પુલ જેવી પ્રગતિ પણ દેશમાં થઈ રહી છે. ધર્મક્ષેત્રે પણ વિવિધ કોરિડોર્સથી લોકો તીર્થયાત્રા તરફ વધારે આકર્ષાઈ રહ્યા છે, તો વિજ્ઞાન અને રમત ક્ષેત્રે પણ હવે વિશ્વના આગળ ગણાતા દેશોની સાથે ભારત ઊભું છે. એક વિરાટ યાત્રાનો આ અત્યંત ઉલ્લેખનીય અને મહત્ત્વનો પડાવ છે. 1975માં `આર્યભટ્ટ' ઉપગ્રહ પ્રક્ષેપિત થયો ત્યારથી ભારતે અંતરિક્ષમાં પગ મૂક્યો, પછી `એસએલવી-3'નું સફળ પ્રક્ષેપણ, `ઈનસેટ-1', 1991, 1994 એમ આ ક્રમ ચાલ્યો, 2013માં મંગળ મિશન, 2023માં `ચંદ્રયાન-3', સપ્ટેમ્બર 2023માં `આદિત્ય એલ...' ઈસરો ઊંચે ને ઊંચે જઈ રહ્યું છે, તેમાં પણ આ તો બાહુબલી ઊડાન છે. સમુદ્રસીમાઓને હવે બાહુબલીની સુરક્ષા સાંપડશે.   

Panchang

dd