• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

કપુરાશીમાં 160 પરિવાર રાજસ્થાનના બાકાસર તથા ગુજરાતના સુઈ ગામથી આવી વસ્યા

દયાપર (તા. લખપત), તા. 6 : લખપત તાલુકામાં નારાયણ સરોવર અને લખપત વચ્ચે આવતું સરહદી કપુરાશી ગામ એટલે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી આવીને વસેલા શરણાર્થીઓની મોટી વસાહત છે.  નાયબ મુખ્યમંત્રીએ અહીં રાત રોકાણ કરતાં ગામ ચર્ચામાં આવ્યું. ગામના સરપંચ જશીબેન બ્રાહ્મણે જણાવ્યું હતું કે, રાજસ્થાનના બાકાસર અને ગુજરાતના સુઈ ગામ ખાતે યુદ્ધ સમયે શરણાર્થીઓના કેમ્પ કાર્યરત થયા હતા અને આ કેમ્પમાંથી 160 પરિવાર કપુરાશીમાં આવી વસ્યા છે. ખેતી, પશુપાલનને મુખ્ય ધંધો બનાવી 10 એકર સરકાર દ્વારા જમીન મળી અને 1982માં શાળાનો પ્રારંભ થયો. ત્યારબાદ 1987માં ગ્રામ પંચાયત બની. હાલમાં પણ ખેતી-પશુપાલન મુખ્યત્વે વ્યસાય છે. કથાકાર વિશાલભાઈ રાજગોર કહે છે કે, અગાઉ દીકરીઓને હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા ગામ બહાર જવું પડતું તેથી અભ્યાસ છોડી દેવો પડતો. હવે માધ્યમિક શાળા બની જતાં દીકરીઓ પણ અભ્યાસ કરે છે. ખાસ તો આરોગ્યની સુવિધા જરૂરી છે. એકાદ આરોગ્ય સબ સેન્ટર બની જાય તો નાની-મોટી બીમારીઓમાં દૂર ધક્કા ન ખાવા પડે. આ ગામે દેશની સેવા માટે સૈનિકો અને સિપાહી આપ્યા છે. આર્મીમાં 17 વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થયેલા રમેશભાઈ બ્રાહ્મણ કહે છે કે, રાષ્ટ્રસેવા પ્રથમ છે. 17 વર્ષ આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવવાનું ગૌરવ છે અને આજે પણ લોકો માન-સન્માનથી જવાનોને પ્રેમ-લાગણી આપે છે. પોતે વર્ષ 2021માં ફરજ નિવૃત્ત થતાં ગામલોકોએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું હતું. મૂળ કપુરાશીના અને હાલે ભુજ રહેતા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પી.સી. ગઢવીએ વાત કરતાં જણાવ્યું હતું કે કપુરાશી ગામનું પ્રમોલગેશન (સત્તાવાર ગામ જાહેર કરવાની પ્રક્રિયા)નું કામ અધૂરું છે, જેથી ત્વરિત કામગીરી કરાય તો વિકાસકાર્યનો યોગ્ય લાભ મળી શકે તેમ છે. 

Panchang

dd