• મંગળવાર, 28 એપ્રિલ, 2026

દિલ્હી માટે દુ:સ્વપ્ન સમી મેચ : આઠ રનમાં છ વિકેટ, પછી 75માં ઓલઆઉટ : બેંગ્લોરની નવ વિકેટે આસાન જીત

નવી દિલ્હી, તા. 27 : પ્લેયર ઓફ ધ મેચ જોશ હેઝલવૂડ (12 રનમાં 4 વિકેટ) અને ભુવનેશ્વરકુમાર (પ રનમાં 3 વિકેટ)ની આગ ઝરતી બોલિંગ સામે દિલ્હી કેપિટલ્સ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ ફક્ત 7પ રનમાં ધરાશાયી થઇ હતી. બાદમાં આરસીબીનો 13.3 ઓવર બાકી રહેતાં 9 વિકેટે ધસમસતો વિજય થયો હતો. આરસીબીએ ફકત 6.3 ઓવરમાં 1 વિકેટે 77 રન કરી 81 દડા બાકી રાખી વિક્રમી વિજય હાંસલ કર્યો હતો. આરસીબીનો નેટ રન. હવે 1.92 થયો છે. તેનાં ખાતાંમાં 8 મેચમાં 12 અંક છે અને બીજા સ્થાને છે. અગાઉ છેલ્લી મેચમાં 26પ રન બનાવનાર દિલ્હી કેપિટલ્સ ટીમનો આજની મેચમાં આરસીબીની ખતરનાક બોલિંગ સામે અભૂતપૂર્વ ધબડકો થયો હતો અને 16.3 ઓવરમાં 7પ રનમાં ડૂલ થઇ ગઇ હતી, જે આઇપીએલ ઇતિહાસનો 12મો સૌથી ઓછો સ્કોર છે. દિલ્હીની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી અને 8 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેમાં દિલ્હીનો સ્કોર 6 વિકેટે 13 રન હતો, જે આઇપીએલ ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર છે. આ દરમિયાન ફક્ત એક ચોગ્ગો લાગ્યો હતો. ઉપરા ઉપરી છ વિકેટના પતન પછી અભિષેક પોરેલ અને ડેવિડ મિલર વચ્ચે સાતમી વિકેટમાં 3પ રનની ભાગીદારી થઇ હતી. મિલર (19)ને આઉટ થવા સાથે દિલ્હીની ઈનિંગ ફરી ફસકી પડી હતી. પોરેલ આખરી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. તેણે 33 દડામાં 3 ચોગ્ગાથી 30 રન કર્યા હતા. દિલ્હીની ઈનિંગ્સમાં માત્ર 1 છગ્ગો જેમિસન (12)ના બેટમાંથી નીકળ્યો હતો. દિલ્હીનો ડેબ્યૂ બેટર સાહિલ પરખ ઝીરોમાં, પાછલી મેચમાં દોઢી સદી કરનાર રાહુલ 1, નીતિશ 1, રિઝવી 0, સ્ટ્રબ્સ પ, કેપ્ટન અક્ષર 0 અને કુલદીપ 3 રને આઉટ થયા હતા. આરસીબી તરફથી હેઝલવૂડે 12 રનમાં 4 અને ભુવનેશ્વરે પાંચ રનમાં 3 વિકેટ લીધી હતી. રસિખ, કુણાલ અને સુએશને 1-1 વિકેટ મળી હતી. આ પછી પડીક્કલે 13 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 34 અને કોહલીએ 1પ દડામાં 1 ચોગ્ગા-2 છગ્ગાથી 23 રન કર્યા હતા, જ્યારે બેથલ 20 રને આઉટ થયો હતો.

Panchang

dd