ભુજ, તા. 27 : ગઇકાલે સાંજે માધાપરમાં
મતદાન દરમ્યાન થયેલી મારામારી સબબ બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતાં નવ નામજોગ
તથા અજાણ્યા ઇસમો સહિત 13 વિરુદ્ધ ગુનો દાખલ
થયો છે. ગઇકાલે સાંજે માધાપર શ્રદ્ધા સ્કૂલના બૂથ કમ્પાઉન્ડમાં થયેલી મારામારી અંગે
ભુજ તાલુકા પંચાયત માધાપર જૂનાવાસ બેના કોંગ્રેસ તરફના ઉમેદવાર નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ
જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સવારે મતદાન મથકમાં લાઇનમાં ઊભા રહેવા બાબતે આરોપીઓ
સાથે બોલાચાલી થઇ હતી. આ બાદ સાંજે પોણા ચારેક વાગ્યે ફરિયાદીના પુત્ર કિશન તેમની સાથે
હતો ત્યારે તેણે પૂછયું કે, સવારે
કોણે માથાકૂટ કરી હતી, ત્યારે બૂથ કમ્પાઉન્ડમાં બેઠેલા આરોપીઓ
સામે આંગણી ચીંધતાં બધા અમારી પાસે આવી, હજી અમારી સામે આંગણી
ચીંધો છો, તમારે શું છે, તારા ટાંટિયા ભાંગી
નાખશું અને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી, હાથો અને લાતોથી
માર મારતાં અન્ય માણસોએ બચાવ્યા હતા. પુત્રએ 108 બોલાવી સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડયા
હતા. આરોપી શક્તિસિંહ વાઘેલા, દિવ્યરાજસિંહ વાઘેલા, વિશ્વરાજસિંહ ચૌહાણ, રાજદીપસિંહ જાડેજા, કરણસિંહ ચૌહાણ, જયવીરસિંહ વાઘેલા તથા બેથી ત્રણ અજાણ્યા ઇસમો સામે રાયોટિંગ સહિતની વિવિધ કલમો
તળે માધાપર પોલીસે ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ આ જ બનાવને લઇને જયવીરસિંહ સહદેવસિંહ
વાઘેલાએ આરોપી નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા તથા તેમના બે પુત્ર કિશનરાજસિંહ અને
જયરાજસિંહ તેમજ અજાણ્યા બે ઇસમ સામે ગુનો નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નરેન્દ્રસિંહની
અગાઉ સવારે પોલિંગ એજન્ટ વિશ્વરાજસિંહ સાથે માથાકૂટ થયા બાદ આરોપીઓએ પોણા ચાર વાગ્યે
ફરિયાદી તથા સાહેદોને હાથો અને લાતોથી માર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદી જયવીરસિંહને નાક તથા કાનના ભાગે ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયો
હતો. આ ફરિયાદના આધારે પણ પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો છે. બન્ને ફરિયાદના
આધારે પોલીસે ગુના નોંધાવી તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી છે.