• મંગળવાર, 28 એપ્રિલ, 2026

સ્થાનિક સ્વરાજ્યમાં બે દાયકાથી મતદારો કેસરિયા રંગે રંગાયેલા રહ્યા

ભુજ, તા. 27 : 2026થી કચ્છની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોણ રાજ કરશે તેનું પરિણામ આવતીકાલે 28મીએ જાહેર થવાનું છે. જિલ્લા પંચાયતની 37, 9 તાલુકા પંચાયત, 1 મહાનગરપાલિકા અને પાંચ નગરપાલિકાની 422 બેઠકો પર ચુનાવી જંગમાં ઊતરેલા 1065 ઉમેદવારોમાંથી ઈવીએમમાં કોના નસીબ ખૂલે છે એ કાલે સવારે 8 વાગ્યાથી જાણવા મળશે, પરંતુ વીતેલી ત્રણ ટર્મમાં સ્થાનિક સ્વરાજ્યમાં કચ્છના મતદારોએ કયા રાજકીય પક્ષની પસંદગી કરી છે તે તારણ સરપ્રદ છે. જો કે 2010થી 2021 સુધી કચ્છમાં કમળ ખીલ્યું હતું, કાલે કોને બહુમતી મળે છે ભાજપ કે  કોંગ્રેસને2015માં જિલ્લા પંચાયતનું નવું સીમાંકન આવતાં બેઠકોમાં વધારો થયો હતો. 2010માં જે 33 બેઠકો હતી તેમાં વધારો થતાં 40 થઈ હતી. જો કે, ફરી 2026ના નવા સીમાંકન થકી કચ્છમાં જિલ્લા પંચાયતની બેઠકોમાં ઘટાડો થયો છે. 40ના બદલે 38 સીટ પર ચૂંટણી યોજાઈ તેમાંથી એક બિનહરીફ થતાં 37 માટે મતદાન થયું હતું.

ભૂતકાળમાં ડોકિયું

2010માં સ્થાનિક સ્વરાજ્યનાં પરિણામમાં થોડું ડોકિયું કરીએ તો 10 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયતો પર કેસરિયો લહેરાયો હતો, જ્યારે મુંદરા, ગાંધીધામ અને લખપતમાં પંજાની પક્કડ રહેતાં કોંગ્રેસને બહુમતી મળી.

જિ.પં.ની 33 બેઠક હતી

2010માં જિલ્લા પંચાયતની 33 સીટ હતી, તેના પરિણામ આવતાં ભાજપના ફાળે 26 (1 બિનહરીફ સહિત) અને કોંગ્રેસના ખોળામાં 7 બેઠક આવી હતી. 2005માં પણ આમ તો ભાજપને જ જીત મળી હતી કેમ કે તે વખતે 29માંથી ભાજપ 19, જ્યારે કોંગ્રેસના 9 સભ્યોનો વિજય થયો હતો. નગરપાલિકાનાં પરિણામ જોઈએ તો ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામના મતદારોએ ભારતીય જનતા પક્ષને જનાદેશ આપ્યો હતો. 10 તાલુકા પંચાયતમાંથી ભુજ, માંડવી, અંજાર, ભચાઉ, રાપર, નખત્રાણા અને અબડાસામાં ભાજપને બહુમતી મળી હતી.

2015માં કોંગ્રેસનું બળ વધ્યું

2015માં જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી ભાજપને જ  મળી હતી, છતાં કોંગ્રેસનું સંખ્યાબળ વધ્યું હતું. જો કે, 2015થી સ્થાનિક સ્વરાજ્યમાં અડધેઅડધી એટલે કે 50 ટકા બેઠકો મહિલાઓને માટે અનામત રાખવાનો નિર્ણય અમલમાં આવ્યો હોવાથી સીમાંકનમાં ફેરબદલ થયો હતો. જિલ્લા પંચાયતમાં સીટ ભલે 40 થઈ, પરંતુ ભાજપને 2010 જેમ 27 બેઠકો ફરી પ્રાપ્ત થઈ હતી. જો કે, કોંગ્રેસની 7માંથી 13 બેઠકો થઈ જતાં સંખ્યાબળમાં વધારો થયો હતો. બીજીબાજુ લખપત અને માંડવીને બાદ કરતાં 8 તાલુકા પંચાયત પર પણ ભાજપનો જ કબજો રહ્યો હતો. ચારેચાર નગરપાલિકામાં પણ મતદારોએ કેસરિયા પક્ષ પર ભરોસો મૂકતાં 2015માં જિલ્લા પંચાયત 8, તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભાજપનો હાથ ઊંચો રહ્યો હતો. તે વખતે માંડવી અને લખપતમાં

કોંગ્રેસને બહુમતી મળી હતી. પાંચ વર્ષ પહેલાં...

પાંચ વર્ષ પહેલાં એટલે કે 2021નો મતદારોએ કેવો ફેંસલો કર્યો હતો તેની ફાઈલ ખૂંદતાં જાણવા મળ્યું કે, લગલગાટ ત્યારે પણ મતદારોએ પોતાનો મિજાજ જાળવી રાખ્યો હતો. 2021માં મુંદરાને નવી નગરપાલિકા મળી હતી. એટલે પાંચ નગરપાલિકા, જિલ્લા પંચાયતની 40 અને 10 તાલુકા પંચાયતમાંથી અબડાસા-લખપતને બાદ કરતાં તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કેસરી ખેસ પહેરાવવામાં આવ્યો હતો. પાંચ વર્ષ પહેલાં મતદાનની ટકાવારી જિલ્લા-તાલુકા પંચાયતમાં 63.25 ટકા, જ્યારે નગરપાલિકામાં 50.81 ટકા મતદાન થયું હતું. 40 જિલ્લા પંચાયતની સીટમાંથી કોંગ્રેસની બહુમતી ઘટી હતી. 13ના બદલે સંખ્યાબળ ઘટીને 8 થઈ ગયું હતું જ્યારે 32 ભાજપના સભ્યો વિજેતા થયા હતા. તાલુકા પંચાયતના ભચાઉ, ભુજ, રાપર, ગાંધીધામ, મુંદરા, અંજાર, નખત્રાણા અને માંડવીમાં સ્પષ્ટ બહુમતી ભાજપને મતદારોએ આપી હતી. જ્યારે કોંગ્રેસના ગઢ મનાતા અબડાસા અને લખપતમાં કોંગ્રેસનો વિજય થયો હતો. પાછળથી 2023માં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવતાં કોંગ્રેસના હાથમાંથી તાલુકા પંચાયત છીનવાઈ ગઈ હતી. નવી બનેલી મુંદરા અને ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી આ તમામ નગરપાલિકામાં પણ ભાજપનું રાજ રહેતાં શહેરી અને ગ્રામ્ય મતદારોએ ભારતીય જનતા પક્ષમાં વિશ્વાસ રાખ્યો હતો. 2021ની ચૂંટણીમાં એક ખારી રોહર, તાલુકા પંચાયત બેઠકમાં 8 આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું હતું, તો માંડવી તાલુકા પંચાયતની તલવાણા સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા એ બાબત નોંધપાત્ર રહી હતી.

Panchang

dd