• રવિવાર, 26 એપ્રિલ, 2026

નારીશક્તિ : સ્ત્રીસશસ્ત્રીકરણ

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : તાજેતરનાં વર્ષોમાં ભારતમાં થયેલી ચૂંટણીઓમાં મહિલા મતદારોનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો છે. અત્યારે ચાર રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીમાં પણ મહિલા મતદારો રાજકીય વિવાદનાં કેન્દ્રમાં છે. રાજકીય પક્ષો મહિલાઓના મત મેળવવા માટે મહિલા કલ્યાણની અનેક યોજનાઓ જાહેર કરે છે તેથી મહિલા મતદારોની સંખ્યા - ટકાવારી સતત વધતી રહી છે. રાજકીય પક્ષો મહિલાઓને આકર્ષવા માટે ઘણી યોજનાઓ જાહેર કરીને વધુ બેઠકો જીતી રહ્યા છે. આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં પણ મહિલાઓનું મહત્ત્વ ગણનાપાત્ર હોવાનું સ્વીકારાયું છે. ઉપરોક્ત ચારે રાજ્યમાં મહિલા મતદાતાઓની સંખ્યા લગભગ 50 ટકા છે. મહિલા મતદારોની સંખ્યા વધી છે, પણ એમનું પ્રતિનિધિત્વ વધ્યું નથી ! તેથી જ મહિલાઓ માટે 33 ટકા બેઠક અનામત રાખવાનો પ્રયાસ વડાપ્રધાને કર્યો. મહિલાઓની માગણી અને રજૂઆતના આધારે રાજકીય પક્ષોના ચૂંટણીવ્યૂહ અને આખરી પરિણામ નક્કી થાય છે એવું  તારણ લોકનીતિ ઈજઘઈનાં સર્વેક્ષણમાં જણાયું છે. છેલ્લા ત્રણ દશકા દરમિયાન મહિલા મતદારોની સંખ્યા મોટાભાગે ઊંચી અને યથાવત્ રહી છે, ઘણી વખત પુરુષ મતદારો કરતાં વધુ પણ રહી છે. વિશેષ કરીને કેરળમાં મહિલાઓ આગળ રહી છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી રહી છે, પણ વર્ષ 2011માં થોડો વધારો થયા પછી સતત વધતી રહી છે. તામિલનાડુમાં પણ 2011થી સતત વધારો છે. મતદારો વધવા છતાં વિધાનસભાઓમાં ચૂંટાયેલી મહિલાઓની સંખ્યા વધી નથી. જો કે, પશ્ચિમ બંગાળમાં વર્ષ 2011માં 40 મહિલા વિધાનસભામાં ચૂંટાઈ હતી. તામિલનાડુમાં 234 સભ્યની વિધાનસભામાં માત્ર 12 મહિલા ચૂંટાઈ હતી. આસામમાં વર્ષ 2011માં કોંગ્રેસને મહિલાઓના 39 ટકા વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને માત્ર 10 ટકા હતા, પણ 2021માં ભાજપને 44 ટકા મળ્યા. કેરળમાં ડાબેરી મોરચા તથા કોંગ્રેસ મોરચાને મહિલાઓના લગભગ સમાન વોટ મળતા હતા, પણ 2021માં ડાબેરી મોરચાને મહિલાઓના વધુ - 45 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોરચાને 41 ટકા મળ્યા હતા. 2011માં ભાજપને માત્ર પાંચ ટકા મળ્યા પછી 2021માં વધીને 12 ટકા થયા હતા. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને સરેરાશ 50 ટકા મહિલા વોટ મળતા રહ્યા છે. ભાજપને 2021માં 41 ટકા મળ્યા. તામિલનાડુમાં બંને દ્રવિડ પક્ષને સરખા - 42 ટકા મત હતા. આમ, મહિલા મતદારોની સંખ્યા વધતી હોવા છતાં રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીમાં મહિલાઓને અન્યાય કરે છે ! ચૂંટણીનો ઇતિહાસ જોઈએ તો ઇન્દિરા ગાંધી વડાપ્રધાનપદે હતાં ત્યારે એમને બહુમતી મહિલાઓએ અપાવી, પણ મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નહીં. જયલલિતા તામિલનાડુનાં મુખ્યપ્રધાન, મમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન બન્યાં, તો પણ સ્થિતિ સુધરી નહીં !2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એમણે સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા ઉપરથી દેશવાસીઓને સંબોધતાં મહિલાઓ માટે ટોઈલેટની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો. ભદ્રસમાજ અને ચીલાચાલુ નેતાઓ નાક ચડાવીને ચોંકી ઊઠયા હતા, પણ મહિલાઓની વ્યથા દૂર કરવા અને સમાન હક આપવાની મોદીની હિમાયત જારી રહી. બેટી બચાઓ, પઢાઓ ઉપર સતત ભાર મૂકતા રહ્યા અને એનું પરિણામ જોવા મળ્યું છે. વડાપ્રધાન મોદીએ ત્રીશિક્ષણથી સશક્તીકરણ અને હવે ત્રીશક્તિનું સશત્રીકરણ -વેપનાઇઝેશન શરૂ કર્યું છે, તેથી વિરોધ પક્ષો ધૂંધવાયા છે ! આ મુદ્દો ચૂંટણીનાં રાજકારણમાં એક મહત્ત્વનું `શત્ર' બની ગયો છે. મોદીએ મહિલાઓને માત્ર વચનો આપ્યાં નથી. એમને સમાન હક અને રાહત તથા કલ્યાણકારી યોજનાઓમાં લાભાર્થી બનાવી છે. નળ સે જળ અને રાંધણગેસ પહોંચાડયા. મહિલા કલ્યાણની યોજનાઓની યાદી લાંબી છે. અલબત્ત, આ બધી યોજનાઓની લાભાર્થી ગ્રામીણ મહિલાઓ વધુ છે તેથી શહેરની મહિલાઓને તેનું મહત્ત્વ હોય નહીં, પણ ગ્રામીણ ભારતમાં મહિલાઓની મોટી ફોજ ઊભી થઈ છે. વિરોધી નેતાઓ મોદીને ધાક - ધમકીઓ, ગાળાગાળી કરે છે તેના જવાબમાં મોદી કહે છે - કરોડો મહિલાઓ - મા - બહેનો -દીકરીઓના આશીર્વાદ મને ઢાલ - કવચની જેમ મળ્યા છે - આ છે ત્રી સશક્તીકરણ ! વર્તમાન ચૂંટણીની પૂર્વસંધ્યાએ એમને વિધાનસભાઓ તથા લોકસભામાં 33 ટકા બેઠક મહિલાઓ માટે અનામત રાખવા માટે ખરડો - પ્રસ્તાવ રજૂ કર્યો અને વિપક્ષોનો સહકાર નહીં મળતાં નામંજૂર થયો. આમાં નુકસાન વિરોધ પક્ષોને થયું કે નહીં ? પરિણામ આવે ત્યારે જણાશે, પણ પ્રસ્તાવ રજૂ કરીને મોદીએ મહિલાઓનું સમર્થન મેળવી લીધું છે. મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરે છે. ભાજપને કેટલા ટકા મહિલા મત મળ્યા, તે પરિણામ પછી જાણવા મળશે. મોદી સરકારને ખાતરી હતી કે પ્રસ્તાવ પસાર નહીં થાય, છતાં આશા પણ હતી કે વિરોધ પક્ષોમાં ભંગાણ પડે અને પ્રસ્તાવ પસાર થઈ શકશે. હકીકતમાં મહિલા આરક્ષણનો ઠરાવ રજૂ થયા પછી વિરોધ પક્ષોએ સમર્થન આપ્યું નહીં તે ભાજપ - એનડીએ માટે વધુ લાભદાયક છે. નામંજૂરી પછી રાષ્ટ્રજોગા સંદેશમાં વડાપ્રધાને કહ્યું કે મહિલા આરક્ષણ માટે તેઓ મક્કમ છે. શક્ય છે કે એમની ગણતરી હોય કે ચાર રાજ્યની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી કોંગ્રેસી મોરચામાં ભંગાણ પડે, કારણ કે મહિલાઓના વોટ કાયમ માટે ગુમાવવાનું કોને પરવડે ? ઉપરાંત, નોંધપાત્ર બાબત એ છે કે અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ થઈ ગયા પછી ભાજપને મહિલા આરક્ષણનો ચૂંટણી મુદ્દો મળ્યો છે. આગામી ચૂંટણી - લોકસભાની થાય ત્યારે પણ આ મુદ્દો કેન્દ્રમાં હશે જ. વિરોધ પક્ષોના નેતાઓ આ `દૂરદર્શન' કરી શક્યા નહીં અને મોદી સરકારના `પરાજય'ની ખુશી મનાવી રહ્યા છે ! હકીકતમાં પંચાયતોમાં આરક્ષણ હોવા છતાં મહિલાઓ જનરલ - અનામત સિવાયની બેઠકો જીતે છે ! મહિલા જાગૃતિનો આ પુરાવો છે ! નોંધપાત્ર બાબત એ છે કે લગભગ તમામ રાજકીય પક્ષો હવે મહિલાઓનાં કલ્યાણની યોજનાઓ જાહેર કરે છે, વચનોની ભરમાર અને રોકડ - રેવડીઓની વહેંચણી - લહાણી કરી રહ્યા છે. તામિલનાડુ અને બંગાળમાં પણ વિપક્ષી શાસકોએ મહિલા મતદારોને રાજી કરવા યોજનાઓ જાહેર કરી છે અને નાણાં વરસાવ્યાં છે ! અનામત બેઠકોના પ્રસ્તાવનો વિરોધ કર્યા પછી હવે મહિલાઓને મનાવી લેવાના, ફોસલાવવાના પ્રયાસ થાય છે, પણ બૂંદ સે ગઈ વો હોજ સે નહીં આતી. મહિલાઓ જાગૃત છે. પોતાના અધિકાર લોકતંત્રની વ્યવસ્થામાં મળશે જ એવી એમને ખાતરી છે. 

Panchang

dd