પ્રકાશ જહા દ્વારા : ગાંધીનગર, તા. 27 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના પરિણામ આવતીકાલે જાહેર થવા જઈ રહ્યા છે ત્યારે શું ગુજરાતમાં વિપક્ષની તાકાતમાં વધારો થશે કે પછી પુનરાવર્તન થશે તો કેવું થશે તેને લઈ પાટનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઈકાલે મતદાન દરમિયાન જે ટ્રેન્ડ જોવા મળ્યો તેણે અનેક પ્રશ્નો રાજકીય વર્તુળોમાં ઊભા કર્યા છે. રાજ્યમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે તો આપ તેની તાકાતમાં વધારો કરી અને કેવો દેખાવ કરે છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું મહત્વ એટલા માટે છે કે 2027માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવાની છે તેમજ સરની કામગીરી સંપન્ન થયા પછી ગુજરાતમાં પહેલી આ ચૂંટણી યોજાઈ છે, તેથી મતદારોના ઝુકાવનો એક ટ્રેન્ડ જાણવા મળશે તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આ ચૂંટણીના પરિણામો પછી સરકાર સામે નવા પડકારો ઊભા થશે કે કેમ અને એ પડકારો કેવા પ્રકારના હશે તેને લઈ પણ અનેકવિધ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ગુજરાતમાં પરિવર્તનની લહેર હોવાનો દાવો કર્યો છે પરંતુ જે ટ્રેન્ડ મતદારોનો જોવા મળે છે તે જોતા પુનરાવર્તનની શક્યતાઓ વધુ છે, પરંતુ વિપક્ષની તાકાતમાં વધારો થશે એમાં કોઈ બે મત નથી. હવે જોવાનું એ રહે છે કે 2021માં જે પરિણામો હતા તેમાં વિપક્ષ કેટલો સુધારો કરી શકે છે તેના ઉપર વધુ નિર્ભર રહેશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ પ્રચાર અભિયાનમાં જોતરાયું હતું તે જોતા ક્યાંક ને ક્યાંક વિરોધનું વાતાવરણ વધારે હાવી થયું હોવાનું રાજકીય વર્તુળો માની રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક વિખવાદો કેટલાક સ્થાનો પર વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને ક્યાંક ને ક્યાંક પ્રચાર અભિયાનમાં ભાષાનો જે પ્રયોગ થયો તેને લઈ મતદારોમાં કચવાટ જોવા મળતો હતો એ પણ નિર્વિવાદ હકીકત છે. ગુજરાતમાં વર્ષ 2021 દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા સ્તરે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. ઉપલબ્ધ પરિણામો અનુસાર ભાજપે તમામ 31 જિલ્લા પંચાયતોમાં જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસ એકપણ જિલ્લા પંચાયત જીતવામાં સફળ રહી નહોતી. તાલુકા પંચાયત સ્તરે ભાજપે 231માંથી 196 તાલુકા પંચાયતોમાં બહુમતી મેળવી હતી. કોંગ્રેસને 18 તાલુકા પંચાયતોમાં બહુમતી મળી હતી, જ્યારે 15 તાલુકા પંચાયતોમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. બેઠકોના આંકડાઓ મુજબ તાલુકા પંચાયતની કુલ 4,774 બેઠકોમાંથી ભાજપે 3,351 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે 1,252 બેઠકો મેળવી હતી. આમ આદમી પાર્ટી તથા અન્ય ઉમેદવારોએ મર્યાદિત હાજરી નોંધાવી હતી.