મધાપર, તા. 27 : અહીં દાતાઓના સહયોગથી વર્ષોથી વિકસિત થયેલું
સર્વોદય સ્પોર્ટસ ગ્રાઉન્ડ તંત્રની બેદરકારીના કારણે દયનીય હાલતમાં છે. એક સમયનું
આકર્ષણ કેન્દ્ર રહેલું મેદાન સમસ્યાઓનું કેન્દ્ર બની ગયું છે. અહીં બનાવાયેલો
ઓક્સિજન પાર્ક છેલ્લા 20 દિવસથી પાણી વગર સુકાઈ ગયો છે. ડ્રીપ સિસ્ટમ
તૂટી ગઈ છે અને તેની મરંમત પણ કરાઈ નથી. પાણીની મોટર બગડેલી હોવા છતાં રિપેર કરાઈ
નથી,
જેના કારણે ફૂટબોલ ગ્રાઉન્ડમાં ઘાસ સંપૂર્ણ રીતે સુકાઈ ગયું છે.
વધુમાં રાનિંગ ટ્રેક પર વોટર ડ્રેનેજ સિસ્ટમના ઢાંકણા ખુલ્લાં હોવાથી ખેલાડીઓ માટે
ગંભીર જોખમ ઊભું થયું હોવા સહિતની ફરિયાદો કરાઈ હતી. મેદાનની દેખરેખ માટે નિયુક્ત
સ્ટાફ અને ચોકીદારો માત્ર કાગળ પર જ હોય સ્થળ પર કોઈ હાજર રહેતું નથી. અનેક રજૂઆતો
છતાં અધિકારીઓ માત્ર `બે દિવસમાં કામ થઈ જશે' જેવા વચનો આપીને જવાબદારી ટાળી રહ્યા હોવાના આક્ષેપો સાથે રોષ વ્યક્ત
કરાયો હતો. ગટરની ખુલ્લી લાઈનો, તૂટી ગયેલી સુવિધાઓ અને
ગંદકીના કારણે ખેલાડીઓ માટે પ્રેક્ટિસ કરવી મુશ્કેલ બની ગઈ છે. રોજ રાનિંગ અને
ટ્રાનિંગ માટે આવતા ખેલાડીઓ અવ્યવસ્થાથી ત્રસ્ત છે. વધુમાં મેદાનમાં ફરતા કૂતરાઓની
સમસ્યા ગંભીર બની ગઈ છે. હાઈકોર્ટના આદેશ હોવા છતાં કૂતરાઓને ખવડાવવામાં આવે છે,
જેના કારણે નાના બાળકો અને ખેલાડીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે.