નવી દિલ્હી, તા. 7 : ચેમ્પિયન્સ
ટ્રોફી શરૂ થવા આડે હવે બે સપ્તાહથી પણ ઓછો સમય રહ્યો છે, પરંતુ હજુ સુધી ટીમ ઇન્ડિયાના મુખ્ય ઝડપી બોલર
જસપ્રિત બુમરાહના રમવા પર સસ્પેન્સ જારી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસના આખરી ટેસ્ટ દરમ્યાન
બુમરાહની પીઠના દર્દની તકલીફ શરૂ થઇ હતી. આ પછીથી તે સિડની ટેસ્ટમાં બોલિંગ કરી શકયો
ન હતો. જો કે, ચેમ્પિયન્સ ટ્રોફીની 1પ ખેલાડીની ભારતીય ટીમમાં તેનો સમાવેશ કરાયો
છે, હવે એવી ખબર સામે આવી છે કે, બુમરાહની પીઠના ભાગનું આજે સ્કેન કરવામાં આવ્યું છે અને તેનો રિપોર્ટ એનસીએની
મેડિકલ ટીમને સોંપવામાં આવ્યો છે. બુમરાહ થોડા દિવસ એનસીએમાં જ રહેશે જેથી બીસીસીઆઇની
મેડિકલ ટીમ તેની સ્થિતિ પર ધ્યાન રાખી શકે. બુમરાહની ઇજા પર ન્યુઝીલેન્ડના ડોકટર રોવન
શાઉટેનની સલાહ લેવામાં આવશે. જ્યારે જાન્યુઆરીમાં પહેલીવાર સ્કેન કરાયું હતું,
ત્યારે પણ ડો. શાઉટેનને રિપોર્ટ અપાયો હતો. તેઓ અગાઉ બુમરાહની સારવાર
કરી ચૂકયા છે. ભારતીય ટીમનો કપ્તાન રોહિત શર્મા કહી ચૂકયો છે કે, એક વખત સ્કેન રિપોર્ટ સામે આવી જશે પછીથી બુમરાહ પરની સ્થિતિ સ્પષ્ટ થશે. જો,
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બુમરાહ રમી શકશે નહીં તો તેનાં સ્થાને હર્ષિત રાણાને
તક મળવાની સંભાવના છે. પૂર્વ ખેલાડી અને કોમેન્ટેટર આકાશ ચોપારાએ દાવો કર્યો છે કે,
હર્ષિત રાણાને ઇંગ્લેન્ડ સામે પહેલી વન-ડેમાં તક આપવાનો મતલબ એ છે કે,
બુમરાહની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની સંભાવના ઘણી ઓછી છે.