રાવલપિંડી, તા. 3 : પાકિસ્તાન વિરુદ્ધ બાંગલાદેશનો 2-0થી ઐતિહાસિક
ટેસ્ટ શ્રેણી વિજય થયો છે. બાંગલાદેશ ટીમે પાકિસ્તાનના તેની જ ધરતી પર 2-0થી સૂપડાં
સાફ કર્યાં છે. બીજી અને અંતિમ ટેસ્ટના આજે આખરી દિવસે બાંગલાદેશનો 6 વિકેટે યાદગાર
વિજય થયો હતો. બાંગલાદેશનો પાક. સામે આ પહેલો ટેસ્ટ શ્રેણી વિજય છે. મેચના આજે આખરી
દિવસે બાંગલાદેશે 18પ રનનું લક્ષ્ય પ6 ઓવરમાં 4 વિકેટે પાર કરી લીધું હતું. પહેલા દાવમાં
138 રનની લડાયક ઇનિંગ્સ રમનાર બાંગલાદેશનો વિકેટકીપર લિટન દાસ પ્લેયર ઓફ ધ મેચ બન્યો
હતો. બે મેચમાં કુલ 1પપ રન અને 10 વિકેટ લેનાર બાંગલાદેશનો સ્પિનર મહેંદી હસન મિરઝા
પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો. પાકિસ્તાન ટીમના 17મી વખત સૂપડા સાફ થયાં છે. બીજી
તરફ તેણે ફક્ત ચાર વખત જ કોઇ હરીફ ટીમના સૂપડા સાફ કર્યાં છે જ્યારે બાંગલાદેશ વર્ષ
2000થી ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. તેણે ચોથી વખત કોઇ ટીમ સામે કલીનસ્વીપ કર્યું છે.
બાંગલાદેશે 2019માં અને 2018/19માં વેસ્ટ ઇન્ડિઝનો બન્ને વખત 2-0થી સફાયો કર્યો હતો.
જ્યારે 2014/1પમાં ઝિમ્બાબ્વેના 3-0થી સૂપડા સાફ કર્યાં હતાં. પાક. ટીમનો પોતાના દેશમાં
બીજી વખત વ્હાઇટવોશ થયો છે. આ પહેલા 2022/23માં ઇંગ્લેન્ડે પાક.નો 3-0થી સફાયો કર્યો
હતો. બાંગલાદેશને જીત માટે 18પ રન કરવાના હતા. જે તેણે 4 વિકેટે કરી લીધા હતા. ઝાકિર
હુસને 40, શાદમાન ઇસ્લામે 24, કપ્તાન નઝમૂલ હસન શાંતોએ 38 અને મોમિનૂલ હકે 34 રન કર્યા
હતા. મૂશફિકુર 22 અને શકિબ 21 રને નોટઆઉટ રહ્યા હતા. પાક. તરફથી મીર હમજા, ખુરર્મ શહઝાદ,
અબરાર અહમદ અને સલમાન આગાને 1-1 વિકેટ મળી હતી. પાક.ના પહેલા દાવમાં 274 અને બીજા દાવમાં
172 રન થયા હતા. બાંગલાદેશના પહેલા દાવમાં 262 રન થયા હતા.