• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

ગુજરાતનો ફાઇનલમાં `શુભ' પ્રવેશ

અમદાવાદ, તા. 26 : અહીં મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી સેમિફાઇનલ સમી મેચમાં પાંચ વખત વિજેતા રહેલી મુંબઇની ટીમને ગુજરાતે 62 રને હાર આપી બીજી વખત ફાઇનલ મુકાબલામાં પ્રવેશ મેળવી લીધો છે અને સતત બે સિઝનથી ફાઇનલમાં પ્રવેશનારી ત્રીજી ટીમ બની છે. આઇપીએલની આ સિઝનમાં ત્રીજી સદી ફટકારનારા ક્રિકેટના નવા રનમશીન શુભમન ગિલની વિસ્ફોટક સદી (60 બોલમાં 129 રન)ની મદદથી ગુજરાતે મુકેલા 234 રનના લક્ષ્યને આંબવા ઉતરેલી મુંબઇને અંતિમ ઓવરોમાં મોહિત શર્માની બળૂકી બોલિંગે બાંધી રાખી હતી. મોહિતે પાંચ વિકેટ લઇ તરખાટ મચાવ્યા બાદ 18 ઓવરમાં 171 રન બનાવી મુંબઇ ઓલઆઉટ થઇ હતી. મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ જીત મેળવવા ઉતરી હતી જેમાં સૂર્યકુમાર અને તિલક વર્માએ બાજી સંભાળી હતી પરંતુ તે સિવાય અન્ય ખેલાડીઓ મેદાન પર સારો દેખાવ કરવામાં અસમર્થ રહ્યા હતા અને ટપોટપ વિકેટ પડી હતી અને  મુંબઈની ટીમ બહાર થઈ હતી. હવે 28 મેના અમદાવાદ ખાતે ફાઇનલ મુકાબલામાં ચેન્નાઇ સામે ગુજરાત ઉતરશે. આ અગાઉ રનમશીન શુભમન ગિલની 10 છગ્ગાથી આતશી સદી 129 રનની મદદથી આઇપીએલની આજની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 233 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રનની આંધી સર્જીને માત્ર 60 દડામાં 7 ચોગ્ગા અને 10 છગ્ગાથી 129 રનની ઇનિંગ્સ રમી હતી. આઇપીએલની વર્તમાન સિઝનની તેની આ ત્રીજી સદી છે. આ ઉપરાંત સૌથી વધુ રન માટેની ઓરેન્જ કેપ હાંસલ કરનારો પણ તે આઇપીએલ ઇતિહાસનો સૌથી યુવા બેટધર બની ગયો છે. તેનાં નામે હવે 16 ઇનિંગ્સમાં 84પ રન થઇ ગયા છે. ગિલનો શરૂઆતમાં જ ટિમ ડેવિડે કેચ પડતો મૂકયો હતો જે મુંબઇને ઘણો મોંઘા પડયો હતો. આ ઉપરાંત મુંબઇના કપ્તાન રોહિત શર્માનો ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરવાનો નિર્ણય પણ સફળ રહ્યો નહોતો. અમદાવાદમાં કમોસમી વરસાદને લીધે મેચ 30 મિનિટ મોડી શરૂ થઇ હતી. શુભમન ગિલે તેના પ0 રન 32 દડામાં પૂરા કર્યાં હતા. આ પછી તેણે ટોપ ગિયરમાં બેટિંગ કરીને મુંબઇના તમામ બોલરો સામે રનની રમઝટ બોલાવી હતી. તેણે પછીના 79 રન ફકત 28 દડામાં કર્યા હતા. તેના અને સાંઇ સુદર્શન વચ્ચે બીજી વિકેટમાં 64 દડામાં 138 રનની આક્રમક ભાગીદારી થઇ હતી. સુદર્શન 31 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી આખરી ઓવરમાં રિટાયર્ડ આઉટ થયો હતો. કપ્તાન હાર્દિક પંડયાએ ડેથ ઓવર્સમાં 13 દડામાં બે ચોગ્ગા અને બે છગ્ગાથી 28 રને અને રાશિદ ખાન પ રને અણનમ રહ્યા હતા. મુંબઇ તરફથી પાછલી મેચમાં પ રનમાં પ વિકેટ લેનાર આકાશ મધવાલે આજે 4 ઓવરમાં પ2 રનનો ખર્ચ કર્યો અને 1 વિકેટ લીધી હતી. ચાવલાને પણ 1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang