• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

આજથી વિધાનસભાનું સત્ર : 18મીએ બજેટ

હૃષીકેશ વ્યાસ તરફથી  : અમદાવાદ, તા. 15 :  16મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે, જે 25મી માર્ચ સુધી ચાલશે. આ સત્ર દરમ્યાન લોકોના પ્રશ્નો-સમસ્યાઓને લઈ વિરોધ પક્ષ સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન જરૂર કરશે, પરંતુ ગૃહમાં વિપક્ષના નબળા સંખ્યાબળને ધ્યાને લેતાં વિપક્ષ દ્વારા સરકારને મુશ્કેલીમાં મૂકી શકાય તેવી સ્થિતિની ખાસ શક્યતા જણાતી નથી. વિધાનસભા ગૃહમાં સત્તાધારી ભાજપના કુલ 162, કોંગ્રેસના 12, આમ આદમી પાર્ટીની 6, 2 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટીની મળીને કુલ 182નું સંખ્યાબળ છે. આ વખતે સત્ર પ્રારંભના બીજા દિવસને બદલે ત્રીજા દિવસે એટલે કે, 18મીના બુધવારે ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2026-27 માટેનું વાર્ષિક બજેટ રજૂ કરશે. સરકારનું વર્ષ 2025-26નું બજેટ કુલ રૂા. 3.70 લાખ કરોડનું હતું અને તેમાં સ્વાભાવિક સરેરાશ 10થી 15 ટકાનો વધારો થતો હોવાની શક્યતા વચ્ચે આ વખતનું બજેટ 4 લાખ કરોડના આંકડાને પાર કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. આગામી એપ્રિલ-મે-2026ની આસપાસ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય, માર્ગ-મકાન જેવા અસરકર્તા વિભાગોને ધ્યાને લઈ મહત્ત્વની યોજનાઓ જાહેર કરાય તેવી સંભાવના મનાય છે. એવી જ રીતે આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વિશેષ ભાર મુકાય, `િવકસિત ગુજરાત ।઼2047'ના રોડમેપ મુજબ નવી યોજનાઓની જાહેરાત થઈ શકે તેવી શક્યતા મનાય છે.  આ સત્રના પ્રથમ દિવસનો પ્રારંભ રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાનની ધૂન સાથે થશે. ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. ગૃહની ઔપચારિક કામગીરી બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે, જેમાં કોંગ્રેસ તરફથી ધારાસભ્ય શૈલેશ પરમાર અને ભાજપ તરફથી ધારાસભ્ય પૂર્ણેશ મોદીના નામના પ્રસ્તાવ મુકાશે, ત્યારબાદ આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ગૃહમાં ભાજપ-કોંગ્રેસ કે સત્તાધારી-વિપક્ષના સંખ્યાબળને જોતાં ભાજપના ધારાસભ્ય ઉપાધ્યક્ષ પદે ચૂંટાઈ આવે એવી શક્યતા છે.   

Panchang

dd