• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

ભારતના ધુરંધરોએ પાકને ધોઇ નાખ્યું

કોલંબો તા.15 : મેદાન યુદ્ધનું હોય કે રમતનું ભારત સામે જીત પાકિસ્તાન માટે સાકાર ન થઇ શકનારું સ્વપ્ન જ બની રહેશે, તેવું વધુ એકવાર સાબિત કરતા તરવરાટભરી ટીમ ઈન્ડિયાના ધુરંધરોએ રવિવારે સહિયામ નિસ્તેજ રહેલાં પાકને ધોઇ નાખ્યું હતું. ભારતે આપેલાં 176ના લક્ષ્ય સામે પાક ટીમ 114 રનમાં સમેટાઇ ગઇ હતી. મેન ઓફ ધ મેચ ઇશાન કિશન (77)ની શાનદાર અર્ધસદીની મદદથી 612ને પાકને હરાવનારા ભારતે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પાકિસ્તાન સામે સૌથી મોટો વિજય મેળવ્યો હતો અને શિવરાત્રિએ દિવાળી જેવો માહોલ રચી, રમત રસિકોનો રાજીપો વધારતી ઐતિહાસિક જીત સાથે ભારતે સુપર-8 રાઉન્ડમાં  વટભેર સ્થાન મેળવી લીધું હતું. સતત ત્રણ જીત સાથે ટીમ ઇન્ડિયા ગ્રુપ એમાં ટોચે છે. અગાઉ  ભારતે કોલંબોની ટર્નિંગ અને ધીમી પિચ પર ઇશાન કિશનની 77 રનની આતશી ઈનિંગ્સથી સાત વિકેટે 17પ રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો, જે ટી-20 વર્લ્ડ કપની ભારત-પાક.ની ટક્કરમાં સૌથી મોટો સ્કોર છે. ઇશાન કિશને કોલંબોનાં સિંહાલી સ્ટેડિયમ પર પાકિસ્તની બોલર્સની ધોલાઈ કરીને મેદાન પર રન તાંડવ સર્જ્યું હતું. તેણે 40 દડામાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાથી 77 રન ફટકાર્યા.  જો કે, પાક.ની ચુસ્ત સ્પિન બોલિંગ સામે ભારતનો અન્ય કોઈ બેટધર ખભા ઉંચકીને બેટિંગ કરી શકયો ન હતો. આથી છેલ્લી 10 ઓવરમાં ભારતીય ટીમ 83 રનનો જ ઉમેરો કરી શકી હતી અને આ દરમિયાન પાંચ વિકેટ ગુમાવી હતી. છેલ્લી પાંચ ઓવરમાં ભારતે પ0 રન ઉમેરી સ્કોર 17પ રન સુધી પહોંચાડયો હતો. ઇનિંગ્સની અંતિમ ઓવર પાક.ના શાહિન અફ્રિદીએ ફેંકી હતી, જેમાં રિંકુના એક છગ્ગાથી 16 રનનો બહુમુલ્ય વધારો કર્યો હતો. અંતિમ ઓવરમાં શિવમ અને અક્ષરની વિકેટ પણ ગુમાવી હતી. પાક. કપ્તાન સલમાન આગાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. અભિષેક શર્મા વિશ્વ કપની સતત બીજી ઇનિંગ્સમાં ઝીરોમાં આઉટ થયો હતો. આ પછી ઇશાન કિશને પાક. બોલરો સામે હલ્લાબોલ શરૂ કર્યું હતું. તેણે પાવર હિટિંગ કરી 27 દડામાં અર્ધસદી કરી હતી. પાવર પ્લેમાં ભારતના એક વિકેટે બાવન રન થયા હતા. ઇશાન 40 દડામાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાથી 77 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી આઉટ થયો હતો. તેના અને તિલક વર્મા વચ્ચે બીજી વિકેટમાં 46 દડામાં 87 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. ઇશાનના આઉટ થયા પછી ભારતની રન રફતાર ધીમી પડી ગઇ હતી.  તિલકે 24  દડામાં બે ચોગ્ગા અને એક છગ્ગાથી 2પ રનનું અને કપ્તાન સૂર્યકુમાર યાદવે 29 દડામાં ત્રણ ચોગ્ગાથી 32 રનનું  યોગદાન આપ્યું હતું, જ્યારે અંતિમ ઓવરમાં રનઆઉટ થનારા શિવમ દૂબેએ 17 દડામાં ત્રણ ચોગ્ગા, એક છગ્ગાથી 27 રન કર્યા હતા. રિંકુસિંહ ચાર દડામાં એક ચોગ્ગા, એક છગ્ગાથી 11 રને નોટઆઉટ રહ્યો હતો. હાર્દિક અને અક્ષર બંને ગોલ્ડન ડક થયા હતા. પાકિસ્તાન તરફથી સઇમ અયૂબે ત્રણ વિકેટ લીધી હતી. મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારીકને 24 રનમાં એક વિકેટ મળી હતી. સલમાન આગા, શાહિન અફ્રિદી, મોહમ્મદ નવાઝને એક-એક વિકેટ મળી હતી. પાકિસ્તાન સામેના મહામુકાબલાની શાનદાર વિજયની દેશભરમાં રવિવારે રાત્રે જોશભેર ઉજવણી થઇ હતી. લોકોએ મીઠાઇ વહેંચી હતી અને ફટાકડા ફોડયા હતા. બીજી તરફ ભારત સામેની વધુ એક કારમી હારથી પાક.માં માતમ છવાયો હતો. ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની કુલ નવ મેચમાંથી ભારતે આજે આઠમો વિજય હાંસલ કરીને સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું હતું.  176 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાની ટીમે પાવર પ્લેમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આથી ભારતે મેચ પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું હતું. પહેલી ઓવરમાં સાહિબઝાદા ફરહાન (0) હાર્દિકનો શિકાર બન્યો હતો. બીજી ઓવરમાં બુમરાહે સઇમ અયૂબ (છ) અને કપ્તાન સલમાન આગા (ચાર)ને આઉટ કરી પાક. છાવણીમાં સોપો પાડી દીધો હતો. સ્પિનર અક્ષરે બાબર (પાંચ)ને ગૂગલીમાં બોલ્ડ કરી પાક.ને હતપ્રભ કરી દીધું હતું. આ પછી ઉસ્માન ખાને 34 દડામાં છ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 44 રનની ઇનિંગ રમી વાપસીની કોશિશ કરી હતી. અક્ષરે તેને આઉટ કરી ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો. ઉસ્માનની વિકેટ બાદ પાક. ટીમ પત્તાના મહેલની જેમ વિખેરાઇ ગઇ હતી અને 18 ઓવરમાં 114 રને ઓલઆઉટ થઇ હતી. શાદાબ ખાને 14 અને શાહિન અફ્રિદીએ અણનમ 23 રન કર્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડયા, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. કુલદીપ અને તિલકને એક વિકેટ મળી હતી. 

Panchang

dd