• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

રાંચીમાં ઇંગ્લેન્ડની વહારે સદીવીર રૂટ

રાંચી, તા. 23 : બેઝબોલ નહીં પણ પરંપરાગત ટેસ્ટ શૈલીથી બેટિંગ કરીને જો રૂટે ભારત સામેની ચોથી ટેસ્ટમાં શાનદાર અણનમ સદી ફટકારી છે અને તે વહારે આવતાં પહેલા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડની ટીમે નબળી શરૂઆત બાદ સફળ વાપસી કરીને 7 વિકેટે 302 રન કર્યા છે. શ્રેણીની ત્રણ ટેસ્ટમાં બેઝબોલ બેટિંગથી વિકેટ ગુમાવનારા જો રૂટે આજે ધૈર્યપૂર્ણ બેટિંગ કરીને કારકિર્દીની 31મી સદી ફટકારી હતી. તે 226 દડામાં 9 ચોગ્ગાથી 109 રને દાવમાં રહ્યો હતો. ભારત તરફથી પદાર્પણ મેચમાં ઝડપી બોલર  આકાશદીપે 3 વિકેટ ઝડપી હતી. એક તબક્કે ઇંગ્લેન્ડે 112 રનમાં વિકેટ ગુમાવી દીધી હતી અને પ્રવાસી ટીમ 200 આસપાસના સ્કોર પર ઓલઆઉટ થઇ જશે, તેવી ભીતિ સર્જાઇ હતી, પણ અનુભવી બેટર જો રૂટે લડાયક બેટિંગ કરીને ભારતીય બોલરોને હંફાવ્યા હતા. તેણે છઠ્ઠી વિકેટમાં વિકેટકિપર બેન ફોક્સ સાથે મળીને 261 દડામાં 113 રનની ભાગીદારી કરી હતી. ફોક્સ 126 દડામાં 4 ચોગ્ગા, 1 છગ્ગાથી 47 રને આઉટ થયો હતો. પછી રૂટે ઓલી રોબિન્સન સાથે મળીને આઠમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 7 રનનો ઉમેરો કર્યો હતો. આથી ઇંગ્લેન્ડના 7 વિકેટે 302 રન થયા હતા. પહેલા આકાશદીપની કાતિલ બોલિંગથી ઇંગ્લેન્ડે 7 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઝેક ક્રાઉલીએ 42 દડામાં 6 ચોગ્ગા, 1 છગ્ગાથી ઝડપી 42 રન કર્યા હતા. બેન ડકેટ (11), ઓલી પોપ (0), જોની બેયરસ્ટો (38) અને કપ્તાન બેન સ્ટોક્સ (3) સસ્તામાં આઉટ થયા હતા. હાર્ટલેએ 13 રન કર્યા હતા. ભારત તરફથી આકાશદીપે 3 અને સિરાઝે 2 વિકેટ લીધી હતી. અશ્વિન-રવીન્દ્રને 1-1 વિકેટ મળી હતી. પાંચ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 2-1થી આગળ ચાલી રહી છે. - જો રૂટ ભારત સામે સૌથી વધુ સદી કરનાર વિદેશી બેટધર : રાંચી, તા. 23 : ઇંગ્લેન્ડની ટીમના સૌથી સફળ અને અનુભવી બેટધર જો રૂટ ભારત સામેની વર્તમાન શ્રેણીની પહેલી ત્રણ ટેસ્ટમાં ફકત 77 રન કરી શકયો હતો. બેઝબોલ શૈલીથી રમવાના ચક્કરમાં તે વિકેટ ફેંકી રહ્યો હતો, પણ ચોથી ટેસ્ટમાં તેણે ટેસ્ટ વિશેષજ્ઞ બેટધરના રૂપમાં બેટિંગ કરી હતી અને કેરિયરની 31મી સદી ફટકારી હતી. તે 106 રને દાવમાં રહ્યો હતો. ભારત સામેની તેની સૌથી ધીમી સદી છે. તેણે આજે 219 દડામાં સદી પૂરી કરી હતી. સાથે રૂટ ભારત વિરુદ્ધ ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ 10 સદી કરનારો વિદેશી બેટધર બની ગયો છે. તે ઓસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથથી આગળ થયો છે.  રૂટે આજે ઇન્ટરનેશનલ કેરિયરના 19 હજાર રન પણ પૂર્ણ કર્યા છે. સિદ્ધિ હાંસલ કરનારો તે ઇંગ્લેન્ડનો પહેલો અને દુનિયાનો 14મો બેટર છે. રૂટને 47મી ઇન્ટરનેશનલ સદી કરી રોહિત શર્માની બરાબરી કરી છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang