• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

અમેરિકામાં બરફનાં તોફાનથી તબાહી

વોશિંગ્ટન, તા. 25 : અમેરિકામાં બરફનાં તોફાને ભારે તબાહી મચાવી છે. ભારે નુકસાન સાથે અનેક રાજ્યોમાં વીજળી ગુલ થઈ છે અને ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય હવામાન સેવા અનુસાર ન્યૂ મેક્સિકોથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના આશરે 14 કરોડ લોકો બરફનાં તોફાનથી પ્રભાવિત થયાની ધારણા છે.  પૂર્વ ટેક્સાસથી ઉત્તર કેરોલિના સુધીના વિસ્તારોમાં ભારે બરફવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે. ખતરનાક રીતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ સોમવાર સુધી ચાલુ રહેશે, તેમ નેશનલ વેધર સર્વિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. ફોર્ટ વર્થમાં રાષ્ટ્રીય હવામાન સેવાએ અહેવાલ આપ્યો છે કે, શનિવારે ઉત્તર ટેક્સાસમાં રાતે હિમવર્ષા થઈ હતી અને ચાલુ રહેશે. બરફનાં તોફાનને કારણે લગભગ 13,000 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ તોફાન દેશના મોટાભાગના ભાગોમાં નોંધપાત્ર વિનાશ લાવશે, તેવી અપેક્ષા છે, જેમાં ઘણા દિવસો સુધી વીજળી ગુલ થશે અને મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક ખોરવાશે. આગામી થોડા દિવસો સુધી રાત્રિનું તાપમાન મોટે ભાગે સિંગલ ડિજિટમાં રહેશે અને ઠંડી માઈનસ 24 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. ઓક્લાહોમામાં બરફ અને હિમવર્ષા ચાલુ રહી. હવામાન સેવાએ આગાહી કરી હતી કે, દક્ષિણમાંથી પસાર થયા પછી વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની ધારણા છે જે વાશિંગ્ટનથી ન્યૂ યોર્ક અને બોસ્ટન સુધી એક ફૂટ અથવા 30 સેન્ટિમીટર સુધી બરફ લાવશે.  

Panchang

dd