• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

ચીરઇ નજીક આગળ ઊભેલા ટેમ્પોમાં રિક્ષા ભટકાતાં માતા-પુત્રના અકાળે મોત

ગાંધીધામ, તા. 25 : ભચાઉના નવી મોટી ચીરઇ અને જૂની મોટી ચીરઇ વચ્ચે આગળ આડશ વગર ઊભેલા આઇસર ટેમ્પોમાં પાછળથી રિક્ષા ધડાકાભેર ભટકાતાં રિક્ષામાં સવાર શેરબાનુ સાંઘાણી તથા તેમના પુત્ર બે વર્ષીય નાદિરનું મોત થયું હતું. બનાવને પગલે ભારે ગમગીની પ્રસરી હતી. ભચાઉના નાની ચીરઇ કુંભારવાસમાં રહેતા તાસિમ સાલેમામદ સાંઘાણીનાં લગ્ન ગામના જ હાજી ઇસ્માઇલ પરીટની દીકરી શેરબાનુ સાથે થયાં હતાં. તેમને દાંપત્ય જીવનમાં બે વર્ષીય તાહિર નામનું બાળક હતું. આ કુટુંબ ગત તા. 20/1ના સવારના અરસામાં ખરીદી કરવા માટે ભચાઉ ગયું હતું. ત્યાં કામ પતાવ્યા બાદ ફરિયાદી તાસિમ સાંઘાણી પોતાની રિક્ષા નંબર જી.જે.-12-એ.વાય.-1963 લઇને પરત ફર્યા હતા. આ રિક્ષામાં ફરિયાદીની પત્ની અને બે વર્ષનું માસૂક બાળક પાછળ બેઠા હતા. રિક્ષા નવી મોટી ચીરઇ અને જૂની મોટી ચીરઇ વચ્ચે પહોંચી હતી ત્યારે રિક્ષા આગળ જતી ટ્રકની પાછળ ચાલી રહી હતી. આ ટ્રકને ઓવરટેક કરવા જતાં આગળ પંક્ચર પડેલ અને કોઇ પણ જાતના સિગ્નલ કે આડશ મૂક્યા વગર રોડ પર રહેલા આઇસર ટેમ્પો નંબર જી.જે.-12-બી.વાય.-2673માં રિક્ષા ધડાકાભેર અથડાઇ હતી, જેમાં બાળક અને તેની માતાને ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેને સારવાર અર્થે આદિપુર લઇ જવાયા હતા જ્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે મહિલાને  સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા. સારવારમાં રહેલા આ મહિલાએ ગઇકાલે બપોરે છેલ્લા શ્વાસ લીધા હતા. અકસ્માતમાં એક સાથે માતા-પુત્રના મોતને પગલે ભારે ગમગીની પ્રસરી હતી. ટેમ્પોચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd