રજનીકાંત કોટડિયા દ્વારા : ગાંધીધામ, તા. 25 : ગાંધીધામ મહાનગરપાલિકા હસ્તકની મિલકતોનાં ભાડાંની આવકમાં અડધોઅડધ
ઘટાડો થયો છે. વર્ષ 2023-24માં
2,45,35,575 રૂપિયાની આવક સામે 2024-25માં માત્ર 1,02,85,960ની જ આવક થઈ છે. છેલ્લા બે
વર્ષ કરતાં આવકમાં ઘણો ઘટાડો થયો છે. મિલકતો છે,
પરંતુ તેના યોગ્ય ભાડાંઓ મળતાં નથી. તેના કારણે તેની સીધી અસર સ્વભંડોળ
ઉપર પડી રહી છે. તત્કાલીન સમયની નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની ગંભીર બેદરકારીનાં કારણે આવકમાં ઘટાડો
થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. - ભાડાં ઘટતાં સ્વભંડોળ ઉપર પડતી અસર : મહાનગરપાલિકા હસ્તક શાપિંગ સેન્ટર તથા મહાત્મા
ગાંધી માર્કેટ, શાકમાર્કેટ, કેબિનો, જાહેર ખબરનાં બોર્ડ, પંડિત
દીનદયાલ કમ્યુનિટી હોલ સહિતની મિલકતો છે, ઉપરાંત મોબાઇલ ઓપ્ટિકલ
ફાઇબર સહિતની ભાડાંની આવક સ્વભંડોળ અને બળ આપે છે, પરંતુ જાહેર
ખબરનાં બોર્ડની તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ સહિતની મિલકતોની આવકમાં
ધરખમ ઘટાડો થયો છે તેની અસર સીધી સ્વભંડોળ ઉપર અને તેમાંથી થતાં વિકાસનાં કામો ઉપર
પડી રહી છે. દર વર્ષે બજેટમાં આવકનો અંદાજ મોટો દેખાડવામાં આવે છે, ત્યારપછી સુધારેલા અંદાજપત્રમાં પણ તે જ સ્થિતિ હોય છે. ખરેખર વર્ષ પૂરું થયા
બાદ અંદાજ મુજબની આવક થતી નથી. - સ્વભંડોળની આવક વધારવા ખાસ
પગલાં નહીં : ગત વર્ષમાં 9 મહિના નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓનું
શાસન રહ્યું છે અને ત્યારપછી 1 જાન્યુઆરી, 2025થી મહાનગરપાલિકા
અસ્તિત્વમાં આવી છે, ત્યારબાદ પણ
સ્વભંડોળની આવક વધારવા માટે કોઈ ખાસ પગલાં ભરવામાં આવ્યાં નથી. મહાનગરપાલિકા બની તેને
એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર બે દિવસ બાકી છે. અત્યાર સુધીમાં સ્વભંડોળની આવક માટેના
કોઈ વધારાના સ્રોત ઊભા કરવામાં આવ્યા નથી અને જે આવક થઈ રહી છે તેમાં પણ ઘટાડો થઇ રહ્યો
છે. મુખ્યમંત્રીને ટકોર પછી પણ સ્થિતિમાં સુધારો નથી. હવે કમિશનર શું પગલાં ભરે છે
તેની ઉપર સૌની નજર છે. - વર્ષ 2025-26ના બજેટમાં 2.62 કરોડની આવકનો અંદાજ : મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે રૂા. 608 કરોડનું અંદાજપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. આ બજેટમાં ટાઉનહોલ
તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ, શાકમાર્કેટ, કેબિનો, જાહેર ખબરનાં
બોર્ડ, અન્ય પરચૂરણ આવક, મોબાઈલ ઓપ્ટિકલ
ફાઇબર ભાડાં સહિતની રૂા. 2,62,20,000ની
આવકનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. નવ મહિનાનો સમય વીતી ગયો છે ને હવે ત્રણ મહિના દરમિયાન
લક્ષ્યાંક સુધી પહેંચવા માટે તંત્ર પ્રયાસરત છે.