• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

બેંગ્લોર સામે દિલ્હીની સાત વિકેટે જીત

વડોદરા, તા. 24 : ડબલ્યુપીએલમાં શનિવારે વડોદરાના મેદાનમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થયો હતો. મેચમાં બેંગલોરને સારી શરૂઆત મળ્યા બાદ અચાનક જ વિકેટનું પતન શરૂ થયું હતું અને ટીમ 20 ઓવરમાં 109 રન જ કરીને ઓલઆઉટ થઈ હતી.માત્ર સ્મૃતિ મંધાનાએ જ 38 રનની લડાયક ઈનિંગ રમી હતી. દિલ્હીએ 110નું લક્ષ્ય 16મી ઓવરમાં જ આંબી લેતાં સાત વિકેટે વિજય મેળવ્યો હતો. બેંગલોર તરફથી શરૂઆત થોડી સારી રહી હતી અને 5 ઓવરમાં સ્કોર 30ને પાર પહોંચ્યો હતો. જો કે 6ઠ્ઠી ઓવરના ત્રીજા બોલે પહેલી વિકેટ પડી હતી. બાદમાં સ્મૃતિ મંધાનાએ સ્કોર આગળ ધપાવ્યો હતો પણ 34 બોલમાં 38 રન કરીને તે પણ આઉટ થઈ હતી. આ સમયે સ્કોર 62 રન હતો. ત્યારબાદ બેંગલોરની વિકેટનું પતન સમયાંતરે થતું રહ્યું હતું અને 20 ઓવરમાં 109 રન કરીને ટીમ ઓલઆઉટ થઈ હતી. બેંગલોરની બેટિંગને દિલ્હીએ એટલી નિયંત્રણમાં રાખી હતી કે પુરી ઈનિંગમાં માત્ર બે છગ્ગા અને નવ ચોગ્ગા જ લાગ્યા હતા. દિલ્હી તરફથી નિધિ શર્માએ 3 વિકેટ લીધી હતી. જ્યારે હેનરી, મારીઝેન કેપ અને મીનુ મણીને 2-2 વિકેટ મળી હતી. બેંગલોરે આપેલા જીત માટેના 110 રનના લક્ષ્યનો પીછો કરતા લોરા વોલવાર્ટ અને જેમિમાહ રોડ્રિગ્ઝે લડાયક ઈનિંગ રમી હતી. જેમાં જેમિમાહ 24 રને આઉટ થઈ હતી. જ્યારે વોલવાર્ટે 42 રન કર્યા હતા. આ ઉપરાંત શેફાલી વર્માએ 16 રને લીઝેલ લીએ 6 રન કર્યા હતા. મારિઝેન કાપે પણ 15 બોલમાં 19 રન કરીને ટીમને જીત તરફ લઈ જવામાં મદદ કરી હતી.  

Panchang

dd