• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કાર્ય બદલ કર્મચારીઓનું સન્માન

ભુજ, તા. 25 :  કચ્છ કલેક્ટર કચેરી ભુજ ખાતે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન સહિત ચૂંટણી પ્રક્રિયાને લગતી વિવિધ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રશસ્તિપત્ર આપીને કલેક્ટર આનંદ પટેલ દ્વારા સન્માન કરાંયું હતું. આ પ્રસંગે પટેલે  જણાવ્યું હતું કે, અનેક વીર જવાનોના બલિદાન બાદ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી છે. સમાન મતાધિકારને લોકશાહી માટે મજબૂત આધાર ગણાવતાં વધુમાં ઉમેર્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી વ્યવસ્થાપન પારદર્શિતા સાથે થાય છે તે ખૂબ જ જરૂરી છે.  ભારતીય ચૂંટણી તંત્ર સાથે કામગીરીમાં જોડાતા તમામ કર્મયોગીઓ  લોકશાહીને મજબૂત બનાવવા યોગદાન આપી રહ્યાં  હોવાનું જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ  અભિનંદન પાઠવીને દેશની લોકશાહી મજબૂત બને તે ધ્યેયથી કામગીરી કરતા રહેવા જણાવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે ભારતમાં ઈલેક્શન કમિશનની સ્થાપના, સ્વાયત્તતા તેમજ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી અંગે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન સહિતની કામગીરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કર્મયોગીઓનું કચ્છ કલેક્ટર અને પોલીસ અધીક્ષકના હસ્તે સન્માન કરાયું હતું.  મુંદરા પ્રાંત અધિકારી ભગીરથાસિંહ ઝાલા, માંડવી મામલતદાર પ્રદ્યુમનાસિંહ જેઠવા સહિત મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ચૂંટણી નાયબ મામલતદાર પુલીન ઠાકર તથા અન્ય નાયબ મામલતદારો, સેક્ટર ઓફિસર્સ, બૂથ લેવલ ઓફિસર્સ અને ચૂંટણી શાખાના સ્ટાફને  સન્માનિત કરાયા હતા. લોકશાહીને મજબૂત બનાવવા માટે અને મતાધિકારનો ઉપયોગ કરવા શપથ લેવાયા હતા.  ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા ગ્યાનેશ કુમારનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો આ કાર્યક્રમમાં ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજાસિંહ ઝાલા વિ. ઉપસ્થિત રહ્યા હતા.   

Panchang

dd