ગાંધીધામ, તા. 21 : શહેરીજનોને સારું મનોરંજન સ્થળ
મળી રહે તેવા ઉદ્દેશ સાથે તત્કાલીન કમિશનરે શિવાજી પાર્ક તથા ટાગોર પાર્ક અને આદિપુર
બસ સ્ટેશન પાસેના બગીચાઓના લગભગ ત્રણ કરોડથી વધુના ખર્ચે નવીનીકરણનો પાયો નાખ્યો હતો, પણ દીવા પાછળ અંધારા જેવો માહોલ હાલના સમયે
જોવા મળી રહ્યો છે. શિવાજી પાર્ક તથા ટાગોર પાર્કને હસ્તાંતરણ કરતાં પહેલાં ટેન્ડરની
શરતો મુજબ કામ થયું છે કે નહીં તેની ચકાસણી અત્યંત જરૂરી હોવાનું જાગૃત નાગરિકો કઈ
રહ્યા છે. શિવાજી પાર્ક બગીચામાં અનેક ખામીઓ અને ક્ષતિઓ હોવાનું જાગૃત નાગરિકો કહી
રહ્યા છે. અહીં જે ગઝેબો બનાવવામાં આવ્યો છે, તેમાં ઉપરની બાજુ
પતરાંનું ફિટિંગ બરોબર નથી, આ ઉપરાંત સાધનોની ગુણવત્તા સામે અનેક
સવાલો છે, વોટર કૂલર નાખવામાં આવ્યું નથી, બગીચામાં પહેલાં અઢીથી ત્રણ એમએમનો વાયર નખાયો હતો ત્યારબાદ 16 એમએમનો વાયર કરવામાં આવ્યો
છે, જેનાં પગલે એક્સેસ આપવામાં આવ્યું છે એટલે કે
કામ વધારાનું દર્શાવાયું છે. અનેક ક્ષતિઓ હોવાનું જાગૃત નાગરિકો કહી રહ્યા છે,
ખરેખર બગીચાના ફિલ્ડ ઈજનેર અને ઇલેક્ટ્રિક ઇજનેરની ગંભીર બેદરકારીઓના
કારણે તિજોરીમાંથી રૂપિયા ખર્ચાય છે, પણ તે મુજબ કામ થતું ન હોવાના
આક્ષેપો જાગૃત નાગરિકો કરી રહ્યા છે. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર બગીચાઓનાં નવીનીકરણ
બાદ હસ્તાંતરણ એટલે કે સંભાળે છે, પરંતુ ટેન્ડરની શરતો મુજબ કામ
થયું છે કે નહીં, ઉપરાંત શેડયુલ-બીની ચકાસણી પછી જ બગીચાઓ સંભાળવા
જોઈએ તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠનો
સંપર્ક સાધતા તેમણે બગીચાઓમાં તમામ નિરીક્ષણ કર્યા પછી જ સંભાળવામાં આવશે અને જો ખામીઓ
બહાર આવશે, તો કોન્ટ્રાક્ટર પાસેથી જ તેને દૂર કરાવવામાં આવશે
તેમ જણાવ્યું હતું. હાલના સમયે આઉટ સોર્સિંગથી મહાનગરપાલિકામાં ભરતી થયેલા ઇજનેરો બેદરકારી
દાખવી રહ્યા છે. તેના કારણે જે હેતુ માટે રૂપિયા
ખર્ચાય છે, તે સાર્થક
થતો નથી તેવા આક્ષેપો છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં છ મહિના કરતાં વધુ સમયથી
શહેરીજનો માટે મનોરંજન સ્થળ દોહલું બન્યું છે, બગીચાઓનાં નવીનીકરણ
પછી પણ ખુલ્લા મુકવામાં આવ્યા નથી સમય મર્યાદા વીતી ગઈ છે તેમ છતાં કામો પૂર્ણ થતાં
નથી, પરિણામે લોકોને સમયસર સુવિધાઓ મળતી નથી. આ બાબતે મહાનગરપાલિકાના
સત્તાધીશો અને કમિશનર યોગ્ય પગલાં ભરે તેવી જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે.