ભુજ, તા. 21 : સંકલન સહ ફરિયાદ સમિતિની ધોરડો
ખાતેની બેઠકમાં ભુજના ધારાસભ્યના પ્રશ્નને લઇને જિલ્લા કલેકટરે પાણી પુરવઠા સહિતના
સંબંધિત વિભાગને તાત્કાલિક બોર નિર્માણ સહિતના વૈકલ્પિક આયોજન તેમજ લાબા ગાળાની યોજના
બનાવીને પાણી વિતરણ પ્રશ્નનું નિવારણ લાવવા સૂચના આપી હતી. કલેકટર અનિલ રાણાવસિયાએ
અધ્યક્ષસ્થાનેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ
લાવીને નાગરિકોના વિશાળ હિતમાં કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું. ધારાસભ્ય કેશુભાઇ
પટેલે ભુજ તાલુકાના હાજીપીર, ભિટારા,
લુણા સહિત બન્ની વિસ્તારનાં ગામોમાં પીવાનાં પાણીના વિતરણની સમસ્યા અંગેના
પ્રશ્નની રજૂઆત કરી સમગ્ર કચ્છનાં પીવાનાં પાણી વિતરણની વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે
આયોજનપૂર્વક કામગીરી કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત ધારાસભ્યે ભુજ તાલુકા તેમજ
સમગ્ર કચ્છના ખેડૂતોને કૂવા બનાવવા માટે બે ગુંઠા સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયામાં
એનઓસીથી વિલંબ થવા અંગેના પ્રશ્નની રજૂઆત કરી હતી. કલેકટરે ખેડૂતોના વિશાળ હિતમાં ત્વરિત
જ અરજીઓનો નિકાલ કરવા મામલતદાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. કચ્છ
કલેકટરે સંકલન બેઠકમાં રજૂ થતા પ્રશ્નોને પ્રાથમિકતાના ધોરણે નિકાલ કરવા સૂચના આપી
હતી. જનપ્રતિનિધિના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સંબધિત અધિકારીઓને આંતરિક સંકલન કરીને
નિકાલ કરવાનું જણાવી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન
હુણ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પશ્ચિમ કચ્છ પોલીસ
અધીક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેકટર પાર્થ કોટડિયા,
ભુજ આરટીઓ અધિકારી અનિલ ગોસ્વામી, નાયબ વન સંરક્ષક
આયુષ વર્મા સહિત તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ,
મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ જિલ્લા
વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.