ભુજ, તા. 21 : દેવદિવાળીએ રાજ્યની સાથે કચ્છમાં
શિયાળાના વિધિવત મંડાણ થયાં છે ત્યારે આગમન સાથે જ ઠંડીએ જમાવટ કરી હોય તેમ કચ્છી કાશ્મીર
નલિયામાં પારો ત્રણ ડિગ્રી ગગડીને 11.8 તો અંજાર-ગાંધીધામ વિસ્તારને આવરી લેતા કંડલા (એ.) મથકે પણ ત્રણ
ડિગ્રીના ઘટાડા સાથે પારો 12 ડિગ્રીએ પહોંચતાં
મોડી સાંજથી લઇ સવાર સુધી ઠંડીનો નોંધનીય અનુભવ થયો હતો. હવામાન વિભાગે હવે ક્રમશ:
લઘુતમ તાપમાન ઊંચકાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડું
મથક બન્યું હતું. રાજ્યના ઠંડાં મથકોમાં બીજા-ત્રીજા નંબરનું સ્થાન નલિયા અને કંડલા
(એ.)એ મેળવ્યું હતું. કચ્છી કાશ્મીરમાં વર્તમાન શિયાળાની સિઝનમાં પ્રથમવાર તાપમાન 11.8 ડિગ્રીએ પહોંચતાં અબડાસા સહિત
પશ્ચિમ કચ્છમાં ઠંડીનો ઉલ્લેખનીય ચમકારો અનુભવાયો હતો. જિલ્લા મથક ભુજમાં પણ દોઢ ડિગ્રીના
ઘટાડા સાથે લઘુતમ તાપમાન 17.3 ડિગ્રીએ પહોંચતાં
સવાર-સાંજ અહીં પણ ઠરતા લોકોને વિશેષ રીતે વહેલી સવાર અને મોડી રાત્રિના ગરમ કપડાં
પહેરવાની ફરજ પડી હતી. 12 ડિગ્રી તાપમાને
અંજાર -ગાંધીધામ વિસ્તારમાં ઠંડીએ પોતાનું પ્રભુત્વ દેખાડવાની શરૂઆત કરી હતી. નલિયા
અને કંડલા (એ.)માં વીતેલા ત્રણ દિવસમાં લઘુતમ તાપમાન સાત ડિગ્રી, તો જિલ્લા મથક ભુજમાં ચાર ડિગ્રી જેટલું નીચે
ગયું છે. સડસડાટ ગગડેલા લઘુતમ તાપમાનનાં પગલે અત્યાર સુધી જિલ્લામાં અનુભવાતી વાતાવરણીય વિષમતામા ઘટાડો દેખાઇ રહ્યો છે. મહત્તમ
તાપમાન 31થી 33 ડિગ્રી વચ્ચે નોંધાતાં દિવસે વાતાવરણમાં ઉષ્ણતાનો ખૂબ ઓછો અનુભવ
થયો હતો. અલ નીનોના પ્રભાવથી આ વખતે કચ્છમાં શિયાળાના આગમનમાં વિલંબ થયો છે. ઠંડીએ
મંડાણ તો કર્યાં છે, પણ કડકડતી
ઠંડી માટે હજુ એકાદ પખવાડિયું રાહ જોવી પડશે તેવું હવામાન નિષ્ણાતોનું માનવું છે. મોડે
મોડે પણ ઠંડીએ જમાવટ કરવાનું શરૂ કરતાં સિઝન પ્રેરિત ધંધાર્થીઓને તેમનો વ્યવસાય જામવાની
આશા જાગી છે. ઠંડી વધવાનાં કારણે શરદી-તાવનાં પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.