• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

રાપર ગુરુકુળના દિવ્યાંગ સાધન સેવાયજ્ઞનો ગાંધીધામથી આરંભ

રજતજયંતી મહોત્સવ ઉપલક્ષ્યે પ્રથમ દિવસે 42 દિવ્યાંગના કૃત્રિમ હાથ-પગનું માપ અને ટ્રાયલ, 35થી વધુની સાધન માટે નોંધણી : સાધનોનું વિતરણ મહોત્સ્વ દરમ્યાન કરાશે

ગાંધીધામ, તા. 18 : સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ રાપર દ્વારા આગામી  તા. 22થી 26 ડિસેમ્બર સુધી યોજાનારા રજતજયંતી મહોત્સવ  અંતર્ગત 25 સેવાકીય આયોજન કરાયાં છે, તે પૈકી કચ્છ જિલ્લાના સૌથી મોટા દિવ્યાંગ સાધન સેવાયજ્ઞનો આજે ગાંધીધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેથી આરંભ થયો હતો. આરંભમાં દીપ પ્રાગટય કરી કેમ્પનો પ્રારંભ બાદ પુરાણી સ્વામી પુરુષોત્તમસ્વરૂપદાસજી, ગાંધીધામ ગુરુકુળના સંચાલક સ્વામી ધર્મકિશોરદાસજી, રાપર ગુરુકુળના સંચાલક ડો. શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિદાસજી, ડો. શાસ્ત્રી સ્વામી શુકમુનિદાસજી તથા મિરજાપરના હરિભક્ત કરશનભાઈ હિરાણી ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે જ 42 દિવ્યાંગ લાભાર્થીએ કૃત્રિમ હાથ, પગ, કેલિપર્સ અને મોલ્ડેડ સૂઝ માટે માપ આપ્યાં. કેમ્પ સ્થળે જ તેમનાં સાધનો તૈયાર કરી, લાભાર્થીઓને પહેરાવી ચાલવાની પ્રેક્ટિસ તથા ટ્રાયલ પણ કરાવવામાં આવી. ઉપરાંત ટ્રાયસિકલ, વ્હીલચેર, વોકર, વાકિંગ સ્ટિક અને ક્રચીસ માટે 35થી વધુ લાભાર્થીની નોંધણી  કરવામાં આવી. આ તમામ સાધનોનું વિતરણ તા. 22થી 26 ડિસેમ્બર દરમિયાન રાપર ગુરુકુળ ખાતે યોજાનારા રજતજયંતી મહોત્સવમાં કરવામાં આવશે. લાભાર્થીઓને તેમના કેમ્પ સ્થળેથી રાપર ગુરુકુળ સુધી લાવવા અને પરત મૂકી જવાની વાહન વ્યવસ્થા, તેમજ વ્હીલચેર, ટ્રાયસિકલ જેવાં સાધનો તેમનાં સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ રાપર ગુરુકુળ દ્વારા કરવામાં આવશે. સાંજે રાપર ગુરુકુળના સૂત્રધાર  પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી, ગુરુકુળના પ્રમુખ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસજી તથા શાસ્ત્રી સ્વામી આનંદમુનિદાસજી ભુજથી  ઉપસ્થિત રહ્યા હતા અને સૌ લાભાર્થીઓને આશીર્વાદ આપ્યા. સ્વામી બાલકૃષ્ણદાસજીએ વ્યસનમુક્ત જીવનની પ્રેરણા આપી, જેનાથી અનેક ભાઈઓએ ત્યાં જ વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો. સંતોએ સૌને ભગવાનનો પ્રસાદ આપી સુખી જીવનનાં આશીર્વાદ આપ્યા હતાં. કેમ્પમાં આવેલા લાભાર્થીઓએ સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, દરેકને અગાઉથી ફોન કરી નિશ્ચિત સમયે બોલાવવામાં આવ્યા હતા એટલે કોઈને રાહ જોવી ન પડી કે ભીડ પણ ન થઈ. માપથી લઈને ટ્રાયલ સુધીની સમગ્ર વ્યવસ્થા સરળ અને સુંદર રહી  હતી. આ સેવાયજ્ઞ સ્વામિનારાયણ ગુરુકુળ રાપર દ્વારા ભુજ મંદિરના મહંત  પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીના આશીર્વાદ, `આપણું વાગડ સૌથી આગળ' સૂત્ર આપનારા પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણા તથા ગુરુકુળના પ્રમુખ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે. સમગ્ર વ્યવસ્થા ગુરુકુળના સંચાલક ડો. શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિદાસજી આદિ સંતમંડળ સંભાળી રહ્યું છે. સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીધામ દ્વારા કેમ્પ માટે  સહકાર આપ્યો હતો. લાભાર્થીઓની નોંધણી અને સંપર્ક સહિતની વ્યવસ્થામાં સ્વયંસેવક ખેતાભાઈ બારડે  સેવા આપી હતી.  આ પ્રકલ્પમાં મહાવીર સેવા સદન કોલકાતા તથા પરમાર્થ નિકેતન ઋષિકેશનો સહયોગ મળી રહ્યો છે. આગામી સમયમાં યોજાનારા કેમ્પનો  લાભ લેવા ઇચ્છતા દિવ્યાંગોએ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ તથા આધારકાર્ડ સાથે લાવવાં. રજિસ્ટ્રેશન માટે મો. 96389 74629,  84696 95128નો સંપર્ક સાંધવા જણાવાયું છે.

આગામી કેમ્પ

0 તા. 19 નવેમ્બર, સ્વામિનારાયણ ગુરુકુળ, ગાંધીધામ 

0 તા. 20 અને 21 નવેમ્બર, શેઠ ગોકલદાસ હંસરાજ ત્રણટુકર વિવિધલક્ષી વિદ્યાલય, માંડવી

0 તા. 22 અને 23 નવેમ્બર,  સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન, ભુજ 

0 તા. 24 અને25 નવેમ્બર, દેવાશિષ હોસ્પિટલ, નખત્રાણા 

0 તા. 18 અને 19 ડિસેમ્બર, સ્વામિનારાયણ મંદિર, ભચાઉ 

0 તા. 20થી 24 ડિસેમ્બર,  સ્વામિનારાયણ ગુરુકુળ, રાપર 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd