કોડાય જીવદયા ગ્રુપ દ્વારા સાત વર્ષથી પ્રેરણાદાયી
સેવાકીય પ્રવૃત્તિ
કોડાય (તા. માંડવી), તા. 18 : જીવદયા એ ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મના સંસ્કારોનું
અમૂલ્ય અંગ છે. જીવમાત્ર પ્રત્યે કરુણા અને સેવાના ભાવને સાર્થક કરતાં કોડાય ખાતે કાર્યરત
અનંત-મહાવીર-ભક્તિ પાર્શ્વ જીવદયા ગ્રુપ દ્વારા છેલ્લા સાત વર્ષથી જીવદયાનાં વિવિધ
સેવાકીય કાર્યો કરાય છે. કોડાયના વિદ્યાચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણા અને કોડાય જૈન
મહાજનના પ્રમુખ અમુલભાઈ દેઢિયાનાં માર્ગદર્શન હેઠળ આ સેવાયજ્ઞ સતત આગળ વધી રહ્યો છે.
ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે સાત લાખ નાળિયેરનું કિડિયારું કરવામાં આવ્યું છે.
માંડવી,
મુંદરા અને અબડાસા તાલુકાનાં આશરે 75 જેટલાં
ગામની સીમમાં કિડિયારું પહોંચાડીને જીવમાત્રની રક્ષા અને સેવા માટે અનોખું કાર્ય કરાય
છે. આ ઉપરાંત ગ્રૂપ દ્વારા ગૌસેવાને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. ગૌશાળાઓ તેમજ
નિરાધાર ગાયોને ઘાસચારો અને ભૂસું આપવામાં આવે છે. ગાયોને પૌષ્ટિક આહાર મળી રહે તે
માટે ગોળવાળા લાડુનું વિતરણ પણ કરવામાં આવે છે. ચોમાસાં દરમિયાન વરસાદના દિવસોમાં પણ
જીવદયાની પ્રવૃત્તિઓ અટક્યા વગર ચાલુ રાખવામાં આવે છે. આ ઉપરાંત શ્વાન સહિતના અબોલ
જીવોને દૂધવાળી ખીચડી આપી તેમની પણ સેવા કરવામાં આવે છે. જીવદયા ગ્રુપના હરખચંદભાઈ ગાલા અને રમેશભાઈ સાવલાએ
જણાવ્યું હતું કે, આ પ્રકારનાં સેવાકીય કાર્યોમાં
દાતાઓનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે, જ્યારે પણ જરૂરિયાત ઊભી
થાય છે ત્યારે દાતા પરિવારો સહાય માટે આગળ આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં રમેશ દેઢિયા,
જીતુભાઈ સાવલા, કાંતિભાઈ ગડા, હિતેશાસિંહ જાડેજા, હરિ વિશ્રામ પટેલ, નીલેશ જાડેજા, નિતીન વિસરિયા, સુરજી
ગાલા, જયંતી છેડા, કનૈયા ગઢવી, રીનવ ગાલા, મનોજ દરજી, રામજી મહેશ્વરી,
નેમચંદ પૂજા, ખુશાલ ગોગરી, અશોક છાડવા, હિંમત ગાલા, જયંતીભાઈ
ગાલા સહિતના કાર્યકરો ઉત્સાહભેર સહયોગ આપી રહ્યા છે.