• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

પચ્છમ-બન્નીના વગડામાં પશુઓને ચરવા ઘાસ નથી

ખરવા મોવાસાના રોગથી પશુઓ વથાણમાં જ પથારીવશ બનતાં મુશ્કેલી

મુસા સુમરા દ્વારા

સુમરાપોર (પચ્છમ), તા. ભુજ, તા. 17 : તાલુકાના સરહદી પચ્છમ, પાસી, બન્ની વિસ્તારમાં વનવગડામાં એકબાજુ પશુઓને ચરવા કયાંય ઘાસ નથી તો બીજી બાજુ ખરવા મોવાસાના રોગથી પશુઓ વથાણમાં જ પથારીવશ બનતાં પશુપાલકો-માલધારીઓ મુસીબતમાં મુકાયા છે.

માલધારી માડુ મુલકમાં ઘાસચારા, પાણીની વિકટ તંગી સર્જાતાં આ વર્ગ ચારેકોર ચિંતાતુર બન્યો છે. માલધારીઓ અને ભાગિયાઓનાં માથે અર્ધઅછત - દુષ્કાળના ભણકારાના ડાકલાઓએ નિંદર હરામ કરી દીધી છે. વર્ષોથી ઘાસના ભંડારોને સાચવી બેઠેલા કાળા ડુંગરની હારમાળાઓ હોય કે ગોરા ડુંગરનો સીમાડો, હવે કેટલાય કિલોમીટર સુધી પશુઓને ચરિયાણની શોધમાં પંથ કાપવા છતાં એક-એક તણખલું મળવું મુશ્કેલ બન્યું છે.

આજની મોંઘવારીના મારમાં બે-ચાર પશુઓને ખવડાવવું મુશીબતરૂપ બન્યું છે, તો પચ્છમના ભાગિયાઓ પાસે તો 250થી 300 ગાયોના ધણ છે તો આટલા પશુઓને દુષ્કાળમાં ખવડાવવા-સાચવવા પડકારરૂપ કાર્ય છે. હવે આગળના પડકારભર્યા ઘણા મહિનાઓ બાકી પડયા છે. શિયાળાની હજી તો શરૂઆત થઇ છે, ત્યારે આવી વિકટ સમસ્યાઓ ઊભી થઇ છે. હજી તો મુસીબતના દિવસો બાકી છે. નાણાંથી ઘાસની ગાંસડીઓ ખરીદીને પશુઓને ભૂખમરાથી બચાવશું ! કે ઘરના નાનાં બાળકો-પરિવારને બચાવશું આવા વિચાર અને વ્યાધિઓની વચ્ચે આ વર્ગ ભાંગી પડયો છે.

વગડામાં રસીકરણ કરવું કઠિન

પહેલાં આ રોગ કાળાડુંગરથી જંગલી જાનવરો-ભૂંડ અને સૂવરોથી આવેલો. આ જટિલ ખરવા મોવાસાએ પશુઓને પથારીવશ બનાવી દીધા છે. વગડાઓમાં રહેતા માલધારીઓની ગાયોને રસીકરણ કરવું ખૂબ જ કઠિન છે, ઉપરાંત ડુંગરાળ-પ્રદેશની ગાયો ખૂબ જ ઝનૂની હોય છે જેથી તેમને કોઇપણ રસીકરણ કરવું ખૂબ અઘરું અને મુસીબતરૂપ બને છે.

ઘાસની માત્ર જાહેરાત થઇ

સરકારના રાહતદરે ઘાસ ડેપાની જાહેરાતથી આ વર્ગના ચહેરા પર રોનક આવી, પણ ઝાઝો સમય નીકળી જવા છતાં આગળની કોઇ નક્કર કાર્યવાહી નહીં થતાં ફરી માલધારીઓમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. હવે માલધારીઓની તંત્ર સમક્ષ ગંભીર માંગ છે કે જાહેરાત નહીં પણ રાહતદરે ડેપો સત્વરે ખોલવામાં આવે.

છાપાંમાં ઘાસડેપોનું કઇ આવ્યું

સવારના પહોરમાં જ છાપે મેં `ઘા જે ડીપે જો કી આયો આય' ભાગિયાઓ સવાલ પૂછે છે કે, પેપરમાં ઘાસના ડેપાનું કંઇ છે. ખાણદાણના ભાવો આસમાન સાથે વાતો કરી રહ્યા છે, તો ઘાસની ગાંસડીઓ 2000થી 2500ની આસપાસ ભાવો ફરી રહ્યા છે. ગાયોનાં ધણને ઘાસની ગાંસડીઓ ખરીદીને પૂરી પાડવી અસંભવ છે.

ખાણદાણ મળવા મુશ્કેલ બન્યા

ખાવડામાં વેપારીઓ ખાણદાણના વિક્રેતાઓ એક સમયમાં ઘાસના પાંદડાઓ જોઇ જે માલધારીઓને ટ્રેકટરો ભરીને ખાણદાણના કટ્ટાઓ  આપતા હતા એ જ વેપારીઓએ ઘાસ-પાણી, દૂધ ઘટયા, તો  માલધારીઓ સામે અછતમાં `મોં' ફેરવી લીધું. હવે એ જ માલધારીને પાંચ-દશ ખાણ-દાણની ગૂણીઓ આપવા પર સીમિત રહ્યા છે. માલધારીઓ તો આવા વેપારીઓના કરજાની ડૂબમાં પહેલાંથી ગરકાવ છે.

હિજરત કરવાના વિકલ્પો નથી

પચ્છમના કાળા ડુંગરનો સીમાડો હવે સૂમસામ બનવા લાગ્યો છે. દરરોજ માલધારીઓની હિજરતની વણઝાર વધવા લાગી છે. હિજરતમા કયાંય જવાના વિકલ્પો નથી છતાં પચ્છમને અલવિદા કરીને રવાનગીની વાટ પકડી છે. રોડ-ટુ-હેવન થઇને ખડીર-વાગડ બાજુ રવાના થયા છે, તો ઘણા માલધારીઓએ લોડાઇ, ધ્રંગ, ફુલાયનાં ગામડાંઓ તરફ પડાવ નાખ્યા છે.

રખાલોમાં ઘાસ પર આશ

સરકારી રખાલોમાં ઘાસ પુષ્કળ પડયું છે તો ચરિયાણની મંજૂરી મળે તો બે-ત્રણ મહિના નિભાવ થાય છે. `હાણે માલ મરી વેંધો' ચારેકોર માલધારીઓની પાદરોની વચ્ચે માલધારીઓના આ શબ્દ દૂરથી સંભળાઇ રહ્યા છે, ત્યારે અછતના ઓછાયામાં આ વર્ગ કણસી રહ્યો છે ત્યારે તંત્ર વહેલી તકે સમીક્ષા કરીને રાહતના દરે ઘાસડેપાઓ, પીવાના પાણીની નક્કર વ્યવસ્થાનું આયોજન તત્કાળ અમલી બનાવે એવી માંગ બુલંદ બની છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd