• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટી ગતિવિધિ તેજ

સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા સહિતની કામગીરીનો ધમધમાટ આરંભાયો : અછત-વસ્તીગણતરીના ભારણ વચ્ચે કામગીરી બનશે પડકારજનક

ભુજ, તા. 17 : આગામી સમયમાં કચ્છમાં 463 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 41 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ જિલ્લામાં વહીવટી ગતિવિધિ વેગ પકડતી જોવા મળી રહી છે. એક તરફ સરપંચ અને સભ્યપદનું રોટેશન જાહેર થતાં ગ્રામીણ રાજકારણમાં ગરમાવો આવી ચૂકયો છે. બીજી તરફ જિલ્લાનું તંત્ર અછત અને વસ્તીગણતરીની હાથ ધરાનારી કામગીરીના પડકાર વચ્ચે વહીવટી ગતિવિધિને વેગવાન બનાવવામાં પરોવાઇ ગયું છે.

સ્ટાફનો તૈયાર કરાતો ડેટાબેઝ

ગ્રામ પંચાયત ચૂંટણીનું મહત્ત્વ ગ્રામીણ વિસ્તાર માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી સમકક્ષ છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં કચ્છની 463 ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. રોટેશન જાહેર થયા બાદ આખી ચૂંટણી કામગીરી જેમને હાથ ધરવાની છે એ સ્ટાફનો ડેટાબેઝ વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ સ્ટાફની ફાળવણી માટેની કવાયત આરંભી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના સત્તાવાર વર્તુળો પાસેથી જાણવા મળેલી વિગત અનુસાર ચૂંટણી કામગીરી માટે અલગ અલગ વિભાગના સ્ટાફને તારવવામાં આવી રહ્યો છે.

યાદી કરાઇ અપડેટ

કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશથી કચ્છમાં પણ મતદારયાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી જાન્યુઆરી સુધી ચાલવાની છે. એટલે કે, ગ્રામ પંચાયત ચૂંટણીમાં અપડેટ થયેલી યાદી સાથે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

વહીવટદારની શક્યતા

જિલ્લામાં અછતની સ્થિતિ પ્રવર્તી રહી છે. વસ્તીગણતરીની મહત્ત્વની કામગીરી પણ નજીકના સમયમાં હાથ ધરાવાની છે. મતદારયાદી સુધારણા ઝુંબેશ પણ ચાલી રહી છે. આવા તમામ ઘટનાક્રમો વચ્ચે જો ગ્રામ પંચાયતની ચૂંટણી તેના નિયત સમયે ન યોજાય અને થોડી પાછળ ઠેલાય તો સંબંધિત ગ્રામ પંચાયતમાં વહીવટદાર શાસન આવે તેવી પણ શકયતા છે. જો અને તોના ચાલતાં સમીકરણ વચ્ચે તંત્રવાહકો ચૂંટણીલક્ષી કામગીરી માટે કસતાં દેખાઇ  રહ્યા છે.

મુદત પૂર્ણનું ચિત્ર

જિલ્લાના નવ તાલુકા પૈકી ભુજમાં સૌથી વધુ 80, અંજારમાં 31, રાપરમાં 53, નખત્રાણામાં 63, લખપતમાં 27, અબડાસામાં 79, માંડવીમાં 60, મુંદરામા 20 અને ભચાઉમાં 50 મળી 463 ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે. ચાર તાલુકામાં 41 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી પણ હાથ ધરાવાની છે. દરમિયાન રાજ્ય ચૂંટણીપંચ દ્વારા પ્રાથમિક મતદારયાદીની પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે. 27 નવેમ્બરે મતદારયાદીની આખરી યાદી જાહેર થયા બાદ ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થાય તેવી સંભાવના છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd