• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

કચ્છમાં રવી પાકનાં વાવેતર સામે જળસંકટનાં વાદળો

નર્મદા કેનાલમાંથી બકનળીઓ દૂર કરવાની અને 10 દિવસે પાણી આપવાના નિર્ણયે ખેડૂતોની ચિંતા વધારી

રમેશ ગઢવી દ્વારા

કાઠડા (તા. માંડવી), તા. 17 :  કચ્છમાં ચાલુ વર્ષે ઓછા વરસાદને પગલે ખેતી અને પશુપાલન માટે પાણીની જરૂરિયાત વધી રહી છે. આવી સ્થિતિમાં માંડવી-મુંદરા પંથકમાં નર્મદા કેનાલનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. અનેક ખેડૂતો કેનાલમાંથી બકનળીઓ મારફતે પાણી મેળવી પોતાના પાકને જીવતદાન આપી રહ્યા છે, જ્યારે ગૌપ્રેમીઓ આ માધ્યમથી ખાડા-ખાબોચિયાં અને નાના ચેકડેમોમાં પાણી ભરી પશુઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. હવે નર્મદા નિગમ દ્વારા બકનળીઓ દૂર કરવાની સૂચના અપાતાં ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.

નર્મદા નિગમ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, બકનળીઓ દૂર નહીં કરવામાં આવે તો નિગમના કર્મચારીઓ દ્વારા તેને કાઢી નાખવામાં આવશે. કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટતાં મુંદરાથી મોડકૂબા સુધી પાણી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.

પાણી વિના રવી પાકનાં વાવેતર સામે પ્રશ્નાર્થ

માંડવી-મુંદરા પંથકના રાજડા, જ્યોતેશ્વર અને વિજયસાગર સહિતના મુખ્ય ડેમોમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે. અગાઉ આ ડેમોનાં પાણીના આધારે હજારો હેક્ટર વિસ્તારમાં ઘઉં સહિતના રવી પાકનું વાવેતર થતું હતું, પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે જળાશયોમાં પૂરતો જથ્થો ન હોવાથી ડેમ આધારિત ખેતી પર પણ અસર થવાની શક્યતા છે.

પેટા કેનાલનાં અધૂરાં કામો સામે રોષ

નર્મદા કેનાલમાંથી બકનળીઓ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ખેડૂતો પેટા કેનાલનાં અધૂરાં કામોને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઊઠાવી રહ્યા છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, અનેક સ્થળોએ પેટા કેનાલની લાઇનો નાખવાની કામગીરી હજુ અધૂરી છે, જ્યાં રસ્તાઓ અને ખેતરો આવેલાં છે ત્યાં પણ કેનાલની લાઇનો નાખવાની કામગીરી બાકી  છે. પરિણામે પેટા કેનાલ મારફતે ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચવાની વ્યવસ્થા હજુ પૂરતી કાર્યરત બની શકી નથી.

ખેડૂતોના જણાવ્યા મુજબ, અનેક સ્થળોએ પેટા કેનાલની કામગીરી અધૂરી હોવા છતાં તેને શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આગળના ભાગમાં પાણી પહોંચાડવાની વાસ્તવિક સ્થિતિ અંગે પૂરતું ધ્યાન અપાયું નથી. કેટલાક સ્થળોએ પાઇપલાઇનનાં જોડાણો પણ કરવામાં આવ્યાં ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે ક,ઁ પેટા કેનાલનાં કામો અધૂરાં હોવા છતાં જો બકનળીઓ પણ દૂર કરવામાં આવશે તો સિંચાઈ માટે પાણી મેળવવામાં વધુ મુશ્કેલી ઊભી થશે.

તંત્ર અધૂરાં કામો પૂર્ણ કરાવે તો જ સિંચાઈનો હેતુ સરે

ખેડૂતોની માંગ છે ક,ઁ નર્મદા નિગમ અને સંબંધિત તંત્ર દ્વારા પેટા કેનાલનાં અધૂરાં કામોની સ્થળ પર તપાસ કરવામાં આવે, જ્યાં પાઇપલાઇન નાખવાની બાકી છે ત્યાં કામગીરી પૂર્ણ કરવામાં આવે, તૂટેલી કૂંડીઓનું સમારકામ થાય, પાઇપલાઇનનાં જોડાણો કરવામાં આવે અને કેનાલમાં જમા થયેલા પ્લાસ્ટિક સહિતના કચરાની સફાઈ કરવામાં આવે. સાથે જ પેટા કેનાલના છેવાડાના ગામો અને ખેતરો સુધી પાણી પહોંચે છે કે નહીં તેની પણ ચકાસણી થવી જોઈએ.

પશુઓ માટે પાણીની વ્યવસ્થાનું શું ?

ખેતીની સાથે પશુપાલન માટે પણ પાણીનો પ્રશ્ન મહત્ત્વનો બન્યો છે. ગૌપ્રેમીઓ બકનળીઓ મારફતે નાના જળાશયો અને ખાડા-ખાબોચિયાં ભરી પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. હવે આ બકનળીઓ દૂર કરવામાં આવે તો પશુઓ માટે પાણીની ઉપલબ્ધતા જાળવવાનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે છે. ઓછા વરસાદ, ડેમોમાં ઘટતા જળજથ્થા, નર્મદા કેનાલના પાણીમાં સંભવિત ઘટાડા અને પેટા કેનાલનાં અધૂરાં કામો વચ્ચે માંડવી-મુંદરા પંથકના ખેડૂતો સામે રવી સિઝનનું આયોજન કરવું મુશ્કેલ બની રહ્યું છે. તંત્ર દ્વારા પાણીના વિતરણનું યોગ્ય આયોજન કરવાની સાથે પેટા કેનાલનાં બાકી કામો વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તો જ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી સુવિધા મળી શકે તેમ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd