• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ગાંધીધામના પશ્ચિમ ઝોનમાં સફાઈની સ્થિતિ સુધરી નથી

ગાંધીધામ, તા. 19 : ગાંધીધામ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સફાઈની સમીક્ષા કરવામાં આવ્યા પછી, પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તહેવારો ઉપર ફેલાયેલી ગંદકીથી રોગચાળાનો ખતરો ઊભો થયો છે. ખાસ કરીને આદિપુર સ્થિત પશ્ચિમ ઝોનમાં એજન્સી પાસેથી કામગીરી લેવામાં અધિકારીઓ નિષ્ફળ નીવળી રહ્યા છે. પરિણામે ગ્રામીણ વિસ્તારમાં કચરાના ઢગ ખડકાયા છે, જે લોકો માટે મુસીબત બની રહ્યા છે. માળખાંગત સુવિધાઓ તેમજ અન્ય કામગીરી વ્યવસ્થિત થઈ શકે તે માટે ગાંધીધામ મહાનગરપાલિકાના પૂર્વ અને પશ્ચિમ બે ઝોન બનાવવામાં આવ્યા છે. સફાઈ એજન્સીને મહિને દોઢ કરોડથી વધુનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે તેમ છતાં ગંદગી ફેલાયેલી રહે છે. ખાસ કરીને આદિપુરના આંગળીના વેઢે ગણાય તેટલા રસ્તાઓ ઉપરથી સફાઈ કરીને ફોટા અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવે છે અને ઉચ્ચ અધિકારીઓને સફાઈના ઊંધા ચશ્મા પહેરાવાઈ રહ્યા છે. પશ્ચિમ ઝોન હેઠળના અંતરજાળ તથા શિણાય, મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી સહિતના ગ્રામીણ વિસ્તારમાં સફાઈ થતી નથી, પરિણામે કચરાના ઢગ ખડકાયેલા છે. ફરિયાદ આવે એટલે એક દિવસ તે વિસ્તારમાં જઈને સફાઈની કામગીરી કરવામાં આવે છે, ત્યારપછી સ્થિતિ ઠેરની ઠેર રહે છે, જેની સફાઈ કરાવવાની જવાબદારી છે તે અધિકારીઓ એજન્સી પાસે કામ લેવામાં સાવ નિષ્ફળ હોવાના તેમજ ટેન્ડરની શરતો મુજબ કામ થતું ન હોવાની રાવ ઊઠી છે. પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં સફાઈની સ્થિતિ ગંભીર છે. સમીક્ષા કરવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી, પરિણામે તંત્ર સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં એજન્સીએ 200-200 સફાઈ કામદારો, સુપરવાઇઝરો સહિત 500નું માનવબળ રાખવાનું છે તથા ટ્રેક્ટરો, જેસીબી, લોડર અને રોડ સ્લીપર સહિતનાં વાહનોથી કામગીરી કરવાની છે, પરંતુ ચોપડા ઉપર પૂરતું માનવબળ અને સાધનો નોંધાય છે, પરંતુ જમીન ઉપર સ્થિતિ કંઇક જુદી જ રહે છે, જેનાં પગલે જાગૃત નાગરિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. અધિકારીઓ એજન્સી પાસેથી સફાઈની કામગીરી લેવામાં નિષ્ફળ છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.

ગંદકી યથાવત્ રહેશે તો ગ્રાન્ટ ન મળવાની પણ ભીતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છતા તો જોઈશે જ અને સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ આપવામાં નહીં આવે તેવું સ્પષ્ટ કહ્યું હતું. ગાંધીધામ- આદિપુરની સ્થિતિ જોતાં સફાઈના અભાવે ફેલાયેલી ગંદકીના કારણે ગ્રાન્ટ ન મળે તેવી પણ ભીતિ ઊભી થઈ છે. મહાનગરપાલિકાની આમ પણ આર્થિક સ્થિતિ ખરાબ છે, તેવામાં સફાઈના રૂપિયા નહીં આવે તો સ્થિતિ ગંભીર બનશે તેવી વકી છે. પદાઅધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સમીક્ષા કરીને પગલાં ભરાય તેવી માંગ ઊઠી છે.

સ્થિતિ સુધારવા અધિકારીઓની બદલી જરૂરી

ગાંધીધામ મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં સફાઈની સ્થિતિ સુધારવા માટે અધિકારીઓની બદલીઓ જરૂરી હોવાનું જાગૃત નાગરિકો કરી રહ્યા છે. મહાનગરપાલિકામાં એજન્સી પાસેથી કામ લઈ શકે તેવા સક્ષમ અધિકારીઓ છે ત્યારે કમિશનર તથા મેયર સહિતના અધિકારીઓને પદાઅધિકારીઓ દ્વારા આ બાબતે સમીક્ષા કરીને પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

70થી વધુ સોસાયટીઓ સ્વચ્છતાથી વંચિત

ગ્રામીણ વિસ્તારની 70થી વધુ સોસાયટીઓ સ્વચ્છતાથી વંચિત છે. અહીં મહાનગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવતી નથી તેવા ગંભીર આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહિને લાખો રૂપિયા ખર્ચાય છે અને વર્ષે કરોડો રૂપિયા સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં સફાઈની સ્થિતિમાં સુધારો થતો નથી. કચરાના ઢગનાં કારણે લોકો પરેશાન છે ફરિયાદો કરી રહ્યા છે, છતાં સમસ્યાનું સમાધાન આવતું નથી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd