• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

સરહદ ડેરી દ્વારા દૂધ ખરીદભાવમાં ઐતિહાસિક વધારો

અંજાર, તા. 15 : સરહદ ડેરીની 17મી વાર્ષિક સાધારણ સભા તેમજ મિલ્ક ડે કાર્યક્રમ દરમિયાન  દૂધની ખરીદમાં ઐતિહાસિક ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી પશુપાલકોને સારો આર્થિક ફાયદો થશે. સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા તારીખ 16/10/2026થી દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે 850 કરવાનું વચન આપ્યું હતું, જે વચનનું પાલન પણ કરવામાં આવ્યું છે.  પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂા. 850 આવતીકાલથી  મળતા થઈ જશે. આ ભાવ સરહદ ડેરીના ઇતિહાસમાં મહત્તમ ઐતિહાસિક છે. આ નિર્ણયથી પશુપાલકોને દર મહિને રૂા. એક કરોડ વધુ મળશે, જ્યારે વાર્ષિક રૂા. 12 કરોડ વધારે મળશે.  કચ્છ જિલ્લાના પશુપાલકો સરહદ ડેરીમાં દૂધ ભરાવીને સારી એવી આવક મેળવી રહ્યા છે. દૂધ ઉત્પાદકો દૂધના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે સરહદ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા.10નો વધારો કરવાનો મહત્ત્વનો નિર્ણય કરાતાં પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી તારીખ 16/10/2026થી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે વલમજી હુંબલે એક યાદીમાં જણાવ્યુ હતું. ચોમાસાંની કપરી પરિસ્થિતિમાં પશુપાલકોને દૂધના વધુ ભાવો મળશે અને આર્થિક રીતે સદ્ધરતા પણ વધશે. આ સાથે ચોમાસાંની સિઝનમાં ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પશુપાલકોને પૌષ્ટિક ઘાસચારાની તંગી સર્જાઈ છે, જેને ધ્યાને લઈને ભાવ વધારો કરવામાં આવ્યો છે.  ડેરી દ્વારા જ બનાવાતું તેમજ ઉચ્ચ ગુણવત્તા અને વ્યાજબી ભાવોવાળું સરહદ દાણ અને સાઇલેજ પશુને ખવડાવા અનુરોધ કરાયો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd