ગાંધીધામ, તા. 11 : શહેરના રાજવી ફાટક અને ભવાનીનગર ફાટક વચ્ચે રામબાગથી સુંદરપુરી
પાણીના ટાંકા ઉપર આવતી મુખ્ય ડી.આઇ. કાસ્ટન લાઈનની સાથે સાથે સીસી લાઈનમાંથી ગેરકાયદે
પાણીનું જોડાણ લેવાની પેરવી થઈ છે. મહાનગરપાલિકાના જ કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા
ગેરકાયદે જોડાણ લેવાની તજવીજ થઈ છે, તેમણે વચ્ચે રોડમાં ખોદકામ કરીને પાઇપ નાખી દીધો છે. પાણી વિભાગને જાણ થતાંની
સાથે જ સ્થળ ઉપર પહોંચી જતાં જોડાણ અટકાવ્યું હોવાનું સામે આવે છે. પરંતુ ખાડો ખોદીને જોડાણ લેવાની કાર્યવાહી કરી લેવાઈ
હતી, તે ખાડામાં પાણી ભરાઈ જતાં જોડાણ બાબતે પણ સવાલો ઊભા થયા
છે. કોન્ટ્રાક્ટરે તેના મજદૂરો માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા મહાનગરપાલિકાની મુખ્ય
લાઈનમાંથી ગેરકાયદે જોડાણ લેવાની પેરવી કરી છે. રોડ વચ્ચેથી પાઇપ પસાર કરીને સામેની
બાજુના પ્લોટ સુધી પાઇપ નાખી દેવામાં આવ્યો છે. આ બાબતે મહાનગરપાલિકામાં તપાસ કરતાં
મંજૂરી લેવામાં આવી નથી તેવું બહાર આવ્યું છે. આ તપાસનો વિષય છે અને ગેરકાયદે જોડાણ
લેવાનું હોય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવી પણ જરૂરી છે. સાંજના ભાગે લાઈનમાંથી સીધું જોડાણ લેવાની પેરવી
કરવામાં આવી હતી અને ત્યાર પછી અંધારું થતાં રોડ ખોદીને પાઇપ નાખી દેવામાં આવ્યો હતો.
તેવા આક્ષેપો ત્યાં સ્થાનિકેથી કરવામાં આવ્યા હતા. મંજૂરી લેવામાં આવે તો પણ મુખ્ય
લાઈનમાંથી સીધું મોટું કનેક્શન આપી શકાય નહીં તેવું જાણકારો કહી રહ્યા છે. હાલના સમય
ગેરકાયદે જોડાણ લેવાનું તજવીજ થઈ હતી. પાઇપ નાખી દીધો છે. મહાનગરપાલિકા દ્વારા તપાસ
કરીને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. રામબાગથી
સુંદરપુરી પાણીના ટાંકા સુધી જતી મુખ્ય લાઈનની સ્થિતિ સારી નથી, અસંખ્ય લીકેજ છે, રિંગરોડના કોન્ટ્રાક્ટર અને એક જગ્યાએ
લાઈન તોડી નાખી હતી, આ ઉપરાંત અસંખ્ય લિકેજો છે. તેની બાજુની
રહેલા સીસી લાઈન અનેક વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડે છે. આ લાઈનમાં પણ લીકેજો
છે અને તેમાંથી જો મોટું કનેક્શન લેવામાં આવે તો લીકેજ રહેવાની પણ સંભાવના છે. લોકોને
પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી અને ગેરકાયદે જોડાણો લેવાઈ રહ્યા છે. આ બાબતે
મહાનગરપાલિકાના જવાબદારો ગેરકાયદે જોડાણ લેનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે.