• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

સૌરાષ્ટ્રની રણજી ટીમમાં કચ્છના ક્રિકેટરનું પદાર્પણ

ગાંધીધામ, તા. 11 : કચ્છના ક્રિકેટ માટે મહત્ત્વના ઘટનાક્રમમાં કે.ડી.આર.સી.એ.ના ઊભરતા પ્રતિભાશાળી ખેલાડી અર્થ યાદવે સૌરાષ્ટ્ર ફર્સ્ટ ક્લાસની રણજી ટ્રોફી ટીમની પ્લેઈંગ-11માં સ્થાન મેળવીને પદાર્પણ કર્યું છે. નોંધનીય છે કે, 48 વર્ષ પહેલા કચ્છમાંથી રવીન્દ્ર આચાર્ય રણજી ટ્રોફી મેચમાં પસંદગી પામ્યા હતા અને ત્યારબાદ બરાબર 48 વર્ષ પછી  ગાંધીધામના આ ખેલાડીએ રણજી મેચમાં પદાર્પણ કરીને સિદ્ધિ મેળવી છે. સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની ચાર દિવસીય મેચમાં સવારે સૌરાષ્ટ્રના કપ્તાન જયદેવ ઉનડકટ દ્વારા ટીમ જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ ભારતીય ટીમ તથા સૌરાષ્ટ્રના ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ રાઈટ આર્મ ઓફ બ્રેક બોલર એવા ડેબ્યૂ મેચ રમી રહેલા અર્થ યાદવને રણજી કેપ પહેરાવીને સન્માનિત કર્યો હતો. ટીમના તમામ ખેલાડીઓએ અર્થને આવકાર્યો  હતો. મેચમાં છત્તીસગઢની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ દિવસની રમત પૂર્ણ થતાં સૌરાષ્ટ્રની ટીમે 90 ઓવરમાં 4 વિકેટના ભોગે 298 રન બનાવી મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી હતી, જેમાં પ્રેરક માંકડ 92 રને અને રવીન્દ્ર જાડેજા 72 રને આઉટ થયા હતા. ચિરાગ જાની 83 રન બનાવી આઉટ થયો હતો. 26 વર્ષનો અર્થ બહુ સારો સ્પિનર છે.  અર્થ યાદવના રણજી ટ્રોફીમાં સમાવેશથી કચ્છ અને ગાંધીધામ ક્રિકેટ ક્ષેત્રે ખુશીની લહેર પ્રસરી હતી. કે.ડી.આર.સી.એ.ના પ્રમુખ ચંદ્રશેખર અયાચી, ઉપપ્રમુખ અનિલ સિંધવ, સેક્રેટરી શરદ શેટ્ટી, વરિષ્ઠ કોચ રવીન્દ્ર આચાર્ય, મુકેશ દુધૈયા, અશ્વિની કચ્છાવા, સુરોજિત ચક્રવર્તી, લાલ નાવાણી તથા સહસેક્રેટરી મુકેશ લખવાણી, ખજાનચી રામકરન તિવારી, મદન છતાણી, સંજય ગાંધી, તેજાભાઈ કાનગડ, વિજય ગઢવી વગેરેએ અર્થને અભિનંદન પાઠવ્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd