ગાંધીધામ, તા. 11 : વધતા જતા સાયબર ક્રાઇમ, ઓનલાઇન ટ્રેડિંગ ઠગાઇના બનાવોમાં વધુ એક મોટો
બનાવ બહાર આવ્યો છે. આદિપુરમાં રહેતા આધેડને ટ્રેડિંગમાં રોકાણ પર વધુ વળતર અને નફાની
લાલચ આપીને ઠગબાજોએ રૂા. 94,54,572ની
મસમોટી રકમની ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. આદિપુરના વોર્ડ-5-એમાં રહેતા તથા ઇન્ટર ઇન્ડિયા રોડવેઝ પ્રા.
લિમિટેડમાં નોકરી કરતા રાજેશ કિશનચંદ માહેશ્વરી નામના આધેડ આ બનાવનો ભોગ બન્યા હતા.
ફરિયાદીને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યા બાદ તેમને ડેલ્ટા 610 ડિસિઝ ઓન સ્ટુડિયો નામના વોટ્સએપ
ગ્રુપમાં એડ કરાયા હતા, જેમાં ઓનલાઇન
ટ્રેડિંગમાં રોકાણ કરતાં ડબલ રકમનો નફો મેળવી
આપશે તેવા જુદા-જુદા મેસેજ કરાયા હતા. અનન્યા કુલકર્ણી નામ ધારણ કરનાર વ્યક્તિએ રોકાણ
કરવાનું પૂછયા બાદ ફરિયાદીને ડેલ્ટા એ.આઇ.એ.એલ.નાં નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.શરૂઆતમાં
આ ઠગબાજોએ ફરિયાદીને જુદા-જુદા ખાતાં નંબર મોકલાવી તેમાં પૈસા જમા કરાવડાવી અને થોડો
નફો કરાવતા હતા, જેના પૈસા વિડ્રો પણ થતા હતા, જેથી ફરિયાદીને આ ઠગ ટોળકી ઉપર વિશ્વાસ બેઠો હતો, બાદમાં
વધુ રોકાણ કરવા અને આઇ.પી.ઓ.-એફ.પી.ઓ.માં રોકાણ કરવાનું કહી તેમના જુદા - જુદા ખાતાં
નંબર મોકલાવી પૈસા પડાવવાનું ચાલુ કરાયું હતું. ફરિયાદીએ પહેલા પોતાના રૂપિયા બાદમાં
લોન લઇને તથા પછી સગા- સંબંધી અને મિત્રો પાસેથી પૈસા મેળવીને આ ઠગબાજો કહેતા તે ખાતાંમાં
પૈસા જમા કરાવતા હતા. તેમણે ડાઉનલોડ કરેલી એપ્લિકેશનમાં તેમનાં ખાતાંમાં રૂા. 4,10,74,150 જમા બતાવતાં તેમણે 80 લાખ કાઢવા પ્રયત્ન કર્યા હતા, પરંતુ તે પૈસા નીકળ્યા ન હોતા. દરમ્યાન ઠગબાજોએ
ફોન કરી પૈસા કઢાવવા વધુ રૂા. 66,37,915 સર્વિસ ફીના ભરવા પડશે તો જ રકમ વિડ્રો થાશે તેમ કહેતાં ફરિયાદી
પાસે પૈસા ખતમ થઇ ગયા હતા, તેવામાં કુટુંબી
ભાઇ પ્રશાંત ગુપ્તાને તેની વાત કરતાં આ ભાઇએ તમારી સાથે છેતરપિંડી થઇ હોવાનું કહેતાં
ફરિયાદીએ 1930માં પોતાની
ફરિયાદ નોંધાવી હતી. આ ઠગ ટોળકીએ આધેડ પાસેથી રૂા. 94,54,572ની છેતરપિંડી, વિશ્વાસઘાત, ઠગાઇ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ
હાથ ધરી છે.