• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

ઇ-ચલણની લિંકથી ઓનલાઇન ઠગાઇ

ભુજ, તા. 11 : શહેરના વેપારીને મોબાઇલમાં ટેક્સ મેસેજથી ઇ-ચલણની લિંક મોકલીને  ડિજિટલ ઠગબાજોએ બેન્ક ખાતામાંથી 61 હજાર સેરવી લઇ ઓનલાઇન છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે સંસ્કારનગરમાં રહેતા અને હાર્ડવેરનો વેપાર કરતા નીલેશ  ખટાઉ ચંદન (ઠક્કર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 9/10ના બપોરે તેમના મોબાઇલ ઉપર ટેક્સ મેસેજ આવ્યો હતો, જેમાં તેના ખાતામાંથી રૂા. 61000 ડેબિટ થયા હતા. આથી તેમણે  બેન્કમાં જઇ સ્ટેટમેન્ટ કઢાવતાં રાજભાર રમેશશંકરના ખાતામાં આ 61 હજાર જમા થયા હતા. ફરિયાદમાં નીલેશભાઇએ લખાવ્યું હતું કે, ગત તા. 8/10ના બપોરે એક ફોન નં. 88154 22021 ઉપરથી  તેને ઇ-ચલણનો મેસેજ આવ્યો હતો અને તેની સાથે લિંક તેનાથી અથવા તેના ઘરના સભ્યથી ભૂલથી ખૂલી ગઇ હોવાથી આ નાણાંની ઉઠાંતરી થઇ છે. સિવાય તેમણે કોઇ ઓટીપી કે લિંક ખોલી ન હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે. પોલીસે રાજભાર અને મોબાઇલ નંબરધારક વિરુદ્ધ ઓનલાઇન છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. - ઠગબાજોથી બચવા સાવચેત રહો... : ઇ-ચલણ અને વીજબિલ તથા નિમંત્રણ કાર્ડ જેવા મેસેજ સાથે એપીકે ફાઇલની લિંક મોકલીને  ઓનલાઇન છેતરપિંડી થતી હોવાના બનાવોએ ફરી માથું ઊંચક્યું છે, ત્યારે દરેક વ્યક્તિ સતર્ક રહી આવી લિંક પર ક્લિક ન કરે તે અત્યંત જરૂરી છે. આમ આવી સાવચેતી જ તમને ડિજિટલ ઠગબાજોથી બચાવી શકશે. આથી સાવધાન રહેવા પર પોલીસે સતત ભાર મૂકી રહી છે અને તેને સંબંધિત સાયબર ક્રાઇમના અવરનેસના કાર્યક્રમો પણ આપી રહી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd