થાન જાગીર (તા. નખત્રાણા),
તા. 11 : કચ્છના રાજકવિ
નિરંજનને હિમાલયમાં જેની યાદ આવી તેવા નખત્રાણા તાલુકાના સિદ્ધયોગી ધોરમનાથની તપોભૂમિ
ધીણોધર ડુંગરની તળેટી સ્થિત નાથ સંપ્રદાયના થાન જાગીર ખાતે 18 વર્ષની પરંપરાને અનુસરતા યોગી
મોજનાથજીએ નવરાત્રિ દરમ્યાન ખડગની ધાર પર ચાલવા જેવી નવદિવસીય ખડગ તપશ્ચર્યાનો રવિવારે
આરંભ કર્યો હતો. 1400 વર્ષથી વધુ
ધર્મ-સંસ્કૃતિનો ઈતિહાસ ધરાવતી પ્રાચીન નગરી થાન જાગીર સ્થિત આશાપુરા માતાજીનાં મંદિરે
મહંત યોગી પીર સોમનાથજી દાદા, ધીણોધર
ડુંગરના મહંત મહેશનાથજીનાં સાંનિધ્યમાં હોમ-હવન, તપસ્વીની પૂજનવિધિ
શાત્રી પ્રવીણ મહારાજ, અમૃત મહારાજ, ઉમેશ
મહારાજ અને શાંતિલાલ મહારાજે કરાવ્યા બાદ પરિસરમાં વાજતે-ગાજતે શોભાયાત્રા યોજાઈ હતી.
તપસ્વીને એક જ આસન પર નવ દિવસ, મૌન, નિર્જલ,
કઠોર તલવારની ધાર પર ચાલવા જેવી કઠોર તપશ્ચર્યા માટે મોકરશી જાડેજા પંચો
દ્વારા આસનગ્રહણ કરાવાયું હતું. સોમનાથજી દાદાના હસ્તે જવારારોપણ વિધિ કરાઈ હતી. ઉલ્લેખનીય
છે કે, 18 વર્ષની પરંપરામાં 12 વર્ષ યોગી સોમનાથજી બાદ છ વર્ષોથી
શિષ્ય મોજનાથજી દ્વારા ખડગ તપશ્ચર્યા આદરાય છે. તપશ્ચર્યાનાં દર્શન રાત-દિવસ ખુલ્લા
રહેશે. દર્શનાર્થીઓ માટે સંચાલન સમિતિ દ્વાર બપોરે - રાત્રે મહાપ્રસાદ, ચા-પાણીનું આયોજન કરાયું છે. દરરોજ પાંચાડાના
ગોધિયાર નાની - મોટી, વંગ, ડાડોર,
ચંદ્રનગર, હીરાપર, ઉલટ,
જિંદાય, બિબ્બર, ચાવડકા,
દેવીસર, ભડલી, ખારડિયા સહિતનાં
ગામો આનુવંશિક સેવા આપશે. અનુષ્ઠાનનું સમાપન તા. 19 સોમવારે સવારે 9.30 વાગ્યે પારણાં સાથે થશે. બાદમાં
શોભાયાત્રા, હવન, મહાપ્રસાદ યોજાશે, તેવું નવરાત્રિ ઉત્સવ સમિતિના કન્વીનર
સ્વરૂપસિંહ સોઢાએ જણાવ્યું હતું. સંતો ઈશ્વરનાથજી, અજયનાથજી,
કાનદાસજી, કાલીનાથજી, હરિદાસજી,
સેવાદાસજી, પેના ભોપા, લાખા
ભોપા, તુંવર ખેતાજી, અગ્રણીઓ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સરપંચો વંગના મોહનગર
આહીર, અરલના દિલાવરસિંહ જાડેજા, બિબ્બરના
નરેન્દ્રસિંહ જાડેજા, લખમશીભાઈ છાભૈયા, ગુમાનસિંહ, હઠુભા સોઢા, ભવાનીસિંહ
સોઢા, રવાભાઈ આહીર, લાખાભાઈ રબારી,
બાબુભાઈ ગરવા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.