• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

ગાંધીધામ દુર્ગાપૂજામાં જયપુરના હવા મહેલની થીમનો પંડાલ

ગાંધીધામ, તા. 11 : કચ્છનાં આર્થિક પાટનગર તરીકે ઓળખાતા ગાંધીધામ સંકુલની ઓળખ લઘુ ભારત તરીકે પણ છે. અહીં દેશના વિવિધ રાજ્યોના વસવાટ કરતા લોકો દ્વારા  વિવિધ પ્રદેશના ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરતા સંકુલમાં જે તે પ્રદેશની સંસ્કૃતિનો અનેરો માહોલ સર્જાય છે. એ જ રીતે  ગાંધીધામમાં વસવાટ કરતા બંગાળી સમાજ દ્વારા છેલ્લા પાંચ દાયકા કરતા પણ વધુ સમયથી   દુર્ગાપૂજાની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે પણ નવતર પ્રકારની થીમ સાથે બંગાળી એસોસીએશન દ્વારા બાવનમાં દુર્ગાપૂજા મહોત્સવની આગામી 16મીથી ઉજવણી કરવામાં આવશે. ગાંધીધામના બંગાળી એસોસીએશનના પ્રમુખ સુરોજીત ચક્રવર્તીએ  જણાવ્યું હતું કે, આ વર્ષની શારદીય દુર્ગાપૂજા ઉજવણી માટે એક ભવ્ય આશ્ચર્ય રજૂ કર્યું છે, જેમાં જયપુરના વિશ્વ વિખ્યાત હવા મહેલની એક ભવ્ય, ઝીણવટભરી પ્રતિકૃતિને તેના મુખ્ય મંડપ તરીકે ફરીથી બનાવવામાં આવી છે. પશ્ચિમ બંગાળના વિશેષ કારીગરો દ્વારા અઠવાડિયા દરમિયાન ખૂબ જ મહેનતથી બનાવેલા આ આકર્ષક સ્થાપત્ય અજાયબી, કચ્છના ભક્તો અને મંડપના શોખીનો માટે એક અદ્ભુત દૃશ્ય ભેટ તરીકે ઊભું છે. થોડા દિવસોમાં પ્રખ્યાત ચંદનનગર આકર્ષક લાઇટ ડેકોરેશનનું કામ પણ શરૂ થશે.  દેવી દુર્ગા અને તેમના દિવ્ય બાળકોની મૂર્તિ 14 ઓક્ટોબર સુધી આવી જશે. પંચમી એટલે કે 15 ઓક્ટોબરે દુર્ગાપૂજા ઉજવણી માટે 21 ઓક્ટોબર  સુધી પંડાલ સત્તાવાર રીતે ખુલશે, જ્યાં દૈનિક મા દુર્ગા આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાભોગ પ્રસાદ, ધુનોચી નાચ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે નવતર થીમના પંડાલ બનાવવામા આવે છે.  આ પૂર્વે દક્ષિણેશ્વર, બિરલા મંદિર સહિતની પ્રતિકૃતિના મંડપ તૈયાર કરવામાં આવ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd